Dark Mode
Wednesday, 25 February 2026
Logo banner

21મી જૂને પૂર્વમાં ફીજીથી માંડી પશ્ચિમમાં કેનેડા સુધી 25 કરોડ લોકો યોગ કરશે

21મી જૂને પૂર્વમાં ફીજીથી માંડી પશ્ચિમમાં કેનેડા સુધી 25 કરોડ લોકો યોગ કરશે

ભારતીય સમય મુજબ પરોઢિયે 3 વાગ્યે ફીજીથી શરૂઆત રાત્રે 10 વાગ્યે ટોરેન્ટોમાં પૂર્ણાહુતિ: સૂર્યની ગતિ આધારિત જુદા-જુદા 16 ટાઇમઝોનમાં ગાર્જિયન રીંગમાં વિશ્વના 80 દેશો સામેલ થશે : ભારતનો કાર્યક્રમ મોદીની હાજરીમાં મૈસૂરમાં યોજાશે

નવી દિલ્હી,
આગામી 21મી જૂને 8મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવનાર છે ત્યારે પૂર્વમાં ફીજીથી માંડીને પશ્ચિમમાં કેનેડા સુધી 25 કરોડ લોકો યોગ કરશે અને યોગ દિનની ઉજવણીમાં ભાગ લેશે. વિશ્ર્વના પૂર્વિય ભાગોમાં પરોઢિયે 3 વાગ્યે ઉજવણી શરુ થઇ જશે.

આઠમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ આ વખતે ‘માનવતા માટે યોગ’ નક્કી કરવામાં આવી છે. કેન્દ્રનાં આયુષ મંત્રી સર્વાનંદ સોનોવાલે જણાવ્યું હતું કે આ વખતે અંદાજીત 25 કરોડ લોકો આંતરરાષ્ટ્રીય યોગ દિવસે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સામેલ થશે.

મુખ્ય કાર્યક્રમ મૈસૂરમાં યોજાશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમાં સામેલ થશે. મૈસૂર પેલેસ ગ્રાઉન્ડમાં યોજાનારા કાર્યક્રમમાં મોદી સાથે 15,000 લોકો યોગ કરશે. દેશ-વિદેશમાં યોગ દિવસ પર આયોજનો ગોઠવવામાં આવી રહ્યા છે. આઝાદીના અમૃત મહોત્સવ વર્ષમાં યોગ દિવસની ઉજવણી હોવાથી દેશના 75 મુખ્ય સ્થાનો પર ઉજવણી કરવામાં આવશે.

આ ઉજવણીમાં કેન્દ્ર સરકારના 75 પ્રધાનો પણ સામેલ થશે. તમામ ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવતા સ્થળો પર યોગ દિવસ મનાવવામાં આવશે. તેઓએ કોમન યોગ પ્રોટોકોલ બુક લેટનું વિમોચન કર્યું હતું. યોગ દિવસ ગાર્જિયન વિંગ કાર્યક્રમનો પણ હિસ્સો બનશે જે વિદેશોમાં ભારતીય દુતાવાસો તરફથી યોજવામાં આવશે. જે અંતર્ગત સૂર્યની ગતિ સાથે દુનિયાના પૂર્વ ભાગોથી શરુ થઇને પશ્ચિમ તરફ જતા 16 અલગ અલગ ટાઇમઝોનમાં યોગ અભ્યાસના કાર્યક્રમ થશે. આ રીલે કાર્યક્રમમાં 80 દેશો સામેલ થશે.

21 જૂને ભારતીય સમય પ્રમાણે પરોઢિયે 3 વાગ્યે શરુ થઇને રાત્રે 10 વાગ્યા સુધી યોગ દિવસના કાર્યક્રમો યોજાશે. ફીજી, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડથી શરુ થઇને અમેરિકાનાં સાનફ્રાન્સીસકો અને કેનેડાના ટોરેન્ટોમાં પૂર્ણાહુતિ થશે. આ માટે આયુષ મંત્રાલયે 100 દિવસનું કાઉન્ટડાઉન શરુ કરી દીધું હતું. 100 શહેરોમાં 100 પ્રતિષ્ઠિત સંગઠનો મારફત આયોજીત થઇ રહેલા કાર્યક્રમોમાં લોકોને યોગ પ્રત્યે જાગૃત કરવામાં આવશે. દિલ્હીમાં પણ 100 સ્થળોએ યોગ દિવસની ઉજવણી થશે. સરકારે લોકોને પોતપોતાના શહેર અને ગામોમાં યોગ દિવસ ઉજવવા આહવાન કર્યું છે.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!