Dark Mode
Wednesday, 25 February 2026
Logo banner

ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ લાંબી તપાસ પછી CBIએ ગુજરાતના IAS અધિકારી કે.રાજેશની ધરપકડ કરી હતી: લાંચના નાણાં વચેટીયા રફીકના બેંક ખાતામાં જમા કરાવતા

ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ લાંબી તપાસ પછી CBIએ ગુજરાતના IAS અધિકારી કે.રાજેશની ધરપકડ કરી હતી: લાંચના નાણાં વચેટીયા રફીકના બેંક ખાતામાં જમા કરાવતા

સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર-આઈએએસ અધિકારી કે. રાજેશની ધરપકડની ભીતરમાં અંદાજીત બે મહિના સુધી તમામ પુરાવા મેળવ્યા બાદ સીબીઆઈએ ધરપકડ કરી : પુછપરછમાં સહકાર પણ આપતા ન હોવાનો નિર્દેશ

સુરેન્દ્રનગરનાં પૂર્વ કલેક્ટર અને આઈએએસ અધિકારી કે. રાજેશ પર સીબીઆઈએ દરોડા પાડ્યાના અંદાજીત બે મહિના બાદ હવે તેમની ધરપકડ કરવામાં આવી છે અને તેમાં લાંચ-ભ્રષ્ટાચારને લગતા અનેક નવા ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. કે. રાજેશ લાંચના નાણા વચેટીયા એવા સુરતના રફીક મેમણના બેંક ખાતામાં જમા કરાવતા હોવાનું બહાર આવ્યું છે.

સીબીઆઈએ ગઇકાલે મોડીરાત્રે 2011ની બેંચના આઈએએસ અધિકારી કે. રાજેશની ધરપકડ કરી હતી. હથિયારના લાયસન્સમાં લાંચ ઉઘરાવવા બદલ તેમના વિરુધ્ધ થયેલી ફરિયાદની તપાસ બાદ ધરપકડની કાર્યવાહી કરવામાં આવી હતી. કે.રાજેશને ગઇકાલે સીબીઆઈ સમક્ષ હાજર થવા સમન્સ પાઠવવામાં આવ્યું હતું. પુછપરછ દરમિયાન તેઓ સહકાર આપતા ન હતા અને એને પગલે ધરપકડ કરી લેવામાં આવી હતી. તબીબી પરિક્ષણ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને હવે અદાલતમાં રજૂ કરવામાં આવશે.

સીબીઆઈએ કે. રાજેશના સુરેન્દ્રનગર, સુરત, અમદાવાદ તથા આંધ્રપ્રદેશ ખાતેના તેમના વતનના નિવાસસ્થાન પર બે મહિના પૂર્વે દરોડા કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન સુરતના વચેટીયા રફીક મેમણની પણ ધરપકડ કરી હતી. નાણાકીય ભ્રષ્ટાચારમાં રફીક મેમણ આઈએએસ અધિકારીનો સાથીદાર હોવાનું બહાર આવ્યું હતું. તપાસનીસ એજન્સીનાં સુત્રોએ જણાવ્યું હતું કે હથિયાર લાયસન્સના બદલામાં પૂર્વ કલેક્ટર લાંચ મેળવતા હતા અને લાંચના નાણા રફીક મેમણના ખાતામાં જમા કરવા અરજદારોને સુચવતા હતા.

તપાસ દરમિયાન એવું બહાર આવ્યું હતું કે એપ્રિલ-2018થી મે-2021 દરમિયાન જિલ્લા પોલીસ વડાનાં નેગેટીવ અભિપ્રાય છતાં કે. રાજેશ દ્વારા 101 હથિયાર લાયસન્સ ઇસ્યુ કરી દેવામાં આવ્યા હતા. સીબીઆઈ દ્વારા 18મી મેના રોજ સુરેન્દ્રનગરનાં રહેવાસી મથુર સાકરીયાના હથિયાર લાયસન્સ માટે કલેક્ટર દ્વારા ચાર લાખની લાંચ લેવાયાના આક્ષેપના આધારે સીબીઆઇએ આઈએએસ અધિકારી વિરુધ્ધ ફરિયાદ દાખલ કરી હતી. સુત્રોએ કહ્યું કે કે. રાજેશે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરના કાર્યકાળ દરમિયાન કુલ 271 હથિયાર લાયસન્સ ઇસ્યુ કર્યા હતા તેમાંથી 38 પરવાના જિલ્લા કલેક્ટર કચેરીમાં જ કામ કરતાં 38 સરકારી કર્મચારીઓને આપ્યા હતા.

એક લાયસન્સ ગુજરાતના પૂર્વ મંત્રી સાથે ઘરોબો ધરાવતા સિનિયર રાજકીય નેતાના પુત્રને ઇસ્યુ કરવામાં આવ્યું હતું. કે.રાજેશ સામે ભ્રષ્ટાચારનો સૌપ્રથમ આક્ષેપ જાન્યુઆરી-2021માં અમદાવાદના વેપારીએ કર્યો હતો. હથિયાર લાયસન્સ માટે 5 લાખની માંગણી કર્યાની ફરિયાદ નોંધાવી હતી. આવી જ અન્ય બે ફરિયાદ ફેબ્રુઆરી-2021માં થઇ હતી.

સૌરાષ્ટ્રનાં બે લોકો પાસેથી 32 લાખ રોકડા અને 5 લાખ ચેક પેટે મેળવાયાનો આક્ષેપ થયો હતો. પાંચમી માર્ચના રોજ સૌરાષ્ષ્ટ્રના એક ખેડૂતે એવી ફરિયાદ કરી હતી કે કે. રાજેશે હથિયાર લાયસન્સના બદલામાં 3 લીટર મસાજનું તેલ અને 5 લાખ લાંચ પેટે લીધા હતા. કે. રાજેશ વિરુધ્ધ એસીબી ઉપરાંત નિવૃત અધિક મુખ્ય સચિવ રેંકના અધિકારી મારફત પણ તપાસ કરવામાં આવી હતી. ભ્રષ્ટાચારના આરોપ બાદ તેઓની રાજ્યનાં ગૃહ વિભાગ હસ્તકના કાયદા વ્યવસ્થા વિભાગમાં સંયુક્ત સચિવ તરીકે બદલી કરી દેવામાં આવી હતી. અને ત્યારબાદ જૂન-2021માં તેઓને સામાન્ય વહીવટ વિભાગમાં ખસેડી દેવામાં આવ્યા હતાં.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!