Dark Mode
Wednesday, 25 February 2026
Logo banner

દક્ષિણ-મધ્ય ગુજરાતનાં અનેક જિલ્લામાં મેઘતાંડવ : 350ને બચાવાયા

દક્ષિણ-મધ્ય ગુજરાતનાં અનેક જિલ્લામાં મેઘતાંડવ : 350ને બચાવાયા

બોડેલીમાં 22, ક્વાંટમાં 18, જાંબુઘોડામાં 17, જેતપુર પાવીમાં 16 ઇંચ વરસાદ ખાબકતા સર્વત્ર પાણી-પાણી

વલસાડ-ડાંગમાં પણ આભ ફાટ્યાની હાલત : રાજ્યનાં 218 તાલુકાઓમાં વરસાદ : સિઝનનું 36.7 ટકા પાણી વરસી ગયું : હજુ ચાર દિવસ સાર્વત્રિક વરસાદની આગાહીથી તંત્ર એલર્ટ

છોટાઉદેપુરમાં 5000 સહિત જુદા-જુદા ભાગોમાંથી 7000થી વધુ લોકોનું સ્થળાંતર : નદીઓ ગાંડીતૂર-અનેક ગામોમાં પાણી ઘૂસ્યા : એનડીઆરએફ ટીમો બચાવ કામગીરીમાં, માર્ગો પર બોટો ફરવા લાગી : વડોદરા નેશનલ હાઈવે પર પાણી ફરી વળ્યા : સંખ્યાબંધ માર્ગો બંધ

ગુજરાતના દક્ષિણ અને મધ્ય ભાગોમાં મેઘતાંડવ સર્જાયાની પરિસ્થિતિ ઉભી થઇ છે. છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર, દાહોદ,વલસાડ, ડાંગ અને નવસારી જિલ્લાઓ પાણી-પાણી થઇ જતાં અનેક વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ જિલ્લાઓમાં હજારોને સલામત સ્થળે ખસેડવા પડ્યા હતા જ્યારે પૂરના પાણીમાં ફસાયેલા 350 લોકોનું રેસ્ક્યુ કરાવવામાં આવ્યું હતું.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના રિપોર્ટ પ્રમાણે રાજ્યના 33 જિલ્લાનાં 218 તાલુકાઓમાં હળવોથી અતિ ભારે વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ 22 ઇંચ વરસાદ છોટાઉદેપુરના બોડેલીમાં વરસતા સમગ્ર પંથક જળબંબાકાર બની ગયો હતો અને રાહત-બચાવ કામગીરી શરુ કરવાની ફરજ પડી હતી. સમગ્ર જિલ્લામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરુપ હોય તેમ જેતપુર પાવીમાં 16 ઇંચ, છોટાુઉદેપુરમાં 13, ક્વાંટમાં 17 ઇંચ, સંખેડામાં 8 ઇંચ તથા નસવાડીમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો હતો.

આ સિવાય પંચમહાલ જિલ્લાનાં જાંબુઘોડામાં 17 ઇંચ વરસાદથી સમગ્ર તાલુકો પાણી-પાણી થઇ ગયો હતો. સમગ્ર જિલ્લામાં અન્યત્ર બેથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો.

દક્ષિણ ગુજરાતમાં ડાંગ અને વલસાડ જિલ્લા પણ જળબંબાકાર બન્યા હતા. ડાંગના વઘઇમાં 12 ઇંચ, આહવામાં 11 ઇંચ તથા સુબીરમાં 9 ઇંચ વરસાદ પડ્યો હતો. વલસાડ જિલ્લાના ધરમપુરમાં 9 ઇંચ, કપરાડામાં 8 ઇંચ પાણી વરસ્યું હતું. નવસારી જિલ્લાના ખેરગામમાં 5 ઇંચ તથા વાસદામાં 9 ઇંચ વરસાદ થયો હતો. નર્મદા જિલ્લામાં સાર્વત્રિક 3 થી 8 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો.

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 47.59 મીમી પાણી વરસ્યું હતું. રાજ્યમાં અત્યાર સુધી કુલ 306.63 મીમી વરસાદ થઇ ગયો છે જે સિઝનનો 36.07 ટકા થવા જાય છે. જૂન મહિનામાં કુલ 64.22 મીમી વરસાદ નોંધાયો હતો જે જુલાઈનાં 10 જ દિવસમાં 242.41 મીમી વરસી ગયો છે જે આખા જૂન મહિનાનાં વરસાદ કરતાં 10 દિવસનો વરસાદ જ ચાર ગણો થઇ ગયો છે.

રાજ્યનાં અનેક ભાગોમાં બેફામ વરસાદને પગલે આફતની હાલત સર્જાઇ હતી. મોટાભાગનાં નદી-નાળા અને તળાવો છલકાયા હતા. જળાશયોમાં પણ નવા નિરની ધીંગી આવક થઇ હતી. તમામ માર્ગો-હાઈવે જળબંબોળ બન્યા હતા. નસવાડી નજીક અશ્વિની નદીનો એપ્રોચ તૂટી જવાને પગલે ઘોડાપૂર સર્જાતા 50થી વધુ ગામો પ્રભાવિત બન્યા હતાં.

બોડેલીમાં અનરાધાર વરસાદથી તેના પાણી વડોદરા નેશનલ હાઈવે પર ફરી વળ્યા હતા. બોડેલીમાં હાલત ખરાબ થતા એનડીઆરએફની ટીમ પહોંચી ગઇ હતી અને માર્ગો પર બોટ ફેરવવાનું શરુ કરાયું હતું. 200થી વધુ લોકોને રેેસ્ક્યુ કરાવવામાં આવ્યા હતા. ઓરસંગ, હેરણ તથા અશ્વિન નદીના પાણી ગામડાઓમાં ઘૂસી જતાં હાલત વધુ ખરાબ થઇ હતી. અનેક માર્ગો બંધ કરી દેવામાં આવ્યા હતા.

તાપી-સુરતમાં નદીઓ ગાંડીતૂર
ઉપરવાસના ભારે વરસાદને કારણે તાપી અને સુરત જિલ્લામાંથી પસાર થતી પૂર્ણા, અંબીકા, ઓલણ સહિતની નદીઓ ગાંડીતૂર બની હતી. જળસ્તર વધવાને પગલે પાણી ગામોમાં ઘૂસી ગયા હતા. કોઝવે પણ પાણીમાં ડૂબી ગયા હતા. તાપી જિલ્લાનાં 57 રસ્તાઓ પર પાણી ફરી વળતા 50થી વધુ ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. ડોલવણ તાલુકામાં 130 લોકોનું રેસ્ક્યુ કરાવવામાં આવ્યું હતું. એક મહિલા તણાઇ જતાં મોત નિપજ્યું હતું. 50થી વધુ રસ્તાઓ બંધ થઇ ગયા હતા.

નર્મદા ડેમની સપાટી 114.68 મીટર
ગુજરાતની જીવાદોરી સમા નર્મદા ડેમની સપાટીમાં પણ વૃધ્ધિ થઇ છે અને તે 114.68 મીટરે પહોંચી છે. આ સિવાય કરજણ ડેમની સપાટી 104.75 મીટર,નાનાકાકડીયા આંબા ડેમની સપાટી 182.90 મીટર, ચોપડવાવ ડેમની સપાટી 181 મીટર થઇ છે. નર્મદા નદીનું ગરુડેશ્વર પાસેનું ગેજલેવલ 14.16 મીટરની સપાટીએ પહોંચ્યું છે. કરજણ ડેમના ચાર દરવાજા ખોલવામાં આવ્યા હતા.

દક્ષિણ-મધ્ય ગુજરાતનાં અનેક જિલ્લામાં મેઘતાંડવ : 350ને બચાવાયા

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!