Dark Mode
Tuesday, 24 December 2024
Logo banner

કાશ્મીરમાં ‘બમ-બમ ભોલે’નો નાદ: બર્ફાની બાબાના દર્શન કરતી પ્રથમ ટુકડી

કાશ્મીરમાં ‘બમ-બમ ભોલે’નો નાદ: બર્ફાની બાબાના દર્શન કરતી પ્રથમ ટુકડી

સુરક્ષાનો લોખંડી બંદોબસ્ત: દર 100 મીટરના અંતરે જવાનો તૈનાત : ઠેકઠેકાણે લંગર : પ્રથમ જથ્થામાં ગુજરાતના 15 યાત્રાળુઓ પણ સામેલ

હિન્દુઓની પવિત્ર અમરનાથ યાત્રા બે વર્ષ બાદ શરુ થયાને પગલે સમગ્ર કાશ્મીરમાં બમ-બમ ભોલેના નાદ સાથે અભૂતપૂર્વ ધાર્મિક માહોલ સર્જાયો છે. જમ્મુથી કાશ્મીર સુધી બર્ફાની બાબાનો જયજય કાર ગુંજવા લાગ્યો છે. ત્રાસવાદીઓ દ્વારા કોઇ ષડયંત્ર આચરવામાં ન આવે તે માટે સુરક્ષાની અભૂતપૂર્વ વ્યવસ્થા કરવામાં આવી છે. ખેતરથી માંડીને જંગલ અને મકાનોની છતો પર પણ હથિયારધારી સુરક્ષા જવાનોને તૈનાત રાખવામાં આવ્યા છે. પહલગામ અને બાલતાલના અમરનાથ યાત્રીઓના કેમ્પ પર શ્રધ્ધાળુઓનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને ઠેકઠેકાણે પુષ્પવર્ષા કરવામાં આવી છે.

આજથી આરંભાયેલી અમરનાથ યાત્રા માટે પ્રથમ જથ્થાને ગઇકાલે જ જમ્મુથી રવાના કરી દેવામાં આવ્યો હતો. સમગ્ર જમ્મુ-શ્રીનગર હાઈવે પર સુરક્ષાનો લોખંડી બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો અને ત્યાંથી અમરનાથ સુધી પણ સેંકડો સુરક્ષા જવાનો તૈનાત કરાયા છે. ડોગ સ્કવોડથી માંડી બોંબ વિરોધી સ્કવોડ પણ સુરક્ષા વ્યવસ્થામાં મોજુદ છે. દર 100 મીટરના અંતરે સુરક્ષા કાફલા તૈનાત કરાયા છે.

અમરનાથ યાત્રા માટે ગઇકાલે રવાના થયેલા પ્રથમ જથ્થાના શ્રધ્ધાળુઓ દ્વારા આજે બર્ફાની બાબાના દર્શન કરવામાં આવ્યા છે. પ્રથમ જથ્થામાં ગુજરાતનાં 15 શ્રધ્ધાળુઓનો સમાવેશ થાય છે. ગુજરાતના યુવકોએ કહ્યું કે લાંબા વખત બાદ અમરનાથના દર્શનની મનોકામના આજે પૂર્ણ થવાની છે. કોઇપણ પ્રકારનો ભય લાગતો નથી. બે દિવસ પૂર્વે જ જમ્મુ આવી ગયા હતા અને પ્રથમ જૂથમાં જ જોડાયા હતા. અમરનાથ યાત્રાના પ્રારંભે જ આખી રાત ભગવાન શિવના જયઘોષ થયા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભજન-કિર્તન યોજાયા હતા. સર્વત્ર શિવમયનો માહોલ જામ્યો છે.

અમરનાથ યાત્રાના માર્ગે ઠેકઠેકાણે લંગર પણ શરુ કરી દેવામાં આવ્યા છે અને યાત્રાળુઓના આરોગ્યથી માંડીને તમામ સુવિધાઓ રાખવામાં આવી છે. યાત્રાળુઓની સુરક્ષા માટે સલામતી એકશન પ્લાન અંતર્ગત સૈન્ય જવાનોને ઉંચાઈવાળા પર્વતો પર તૈનાત કરવામાં આવ્યા છે. ત્રાસવાદીઓના કોઇ કારસા સફળ ન થાય કે ઘૂષણખોરી શક્ય ન બને તે માટે બાજનજર રાખવામાં આવી રહી છે. સીઆરપીએફના જવાનોને સમગ્ર રુટ પર તૈનાત કરવામાં આવ્યા છે. પોલીસને સ્થાનિક સ્તરે જ બંદોબસ્તમાં રાખવામાં આવી છે. આઇટીબીપીના જવાનોને પણ ખાસ સુરક્ષા બંદોબસ્ત સોંપાયો છે.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!