Dark Mode
Wednesday, 25 February 2026
Logo banner

વિપરીત દિશાના પવનોને કારણે ભારતમાં પૂર્વોત્તર સિવાયના રાજ્યોમાં હજુ ચોમાસું નહિવત: દેશમાં વરસાદની 18 ટકા ખાધ: ગુજરાતમાં 31 ટકા: કૃષિ વાવેતર 24% ઓછું

વિપરીત દિશાના પવનોને કારણે ભારતમાં પૂર્વોત્તર સિવાયના રાજ્યોમાં હજુ ચોમાસું નહિવત: દેશમાં વરસાદની 18 ટકા ખાધ: ગુજરાતમાં 31 ટકા: કૃષિ વાવેતર 24% ઓછું

આસામ,મેઘાલયમાં એક જ સપ્તાહમાં 40 ઇંચ વરસાદ નોંધાયો : ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર,મધ્યપ્રદેશ, છતીસગઢ, ઝારખંડ, ઓડિસા જેવા રાજ્યોમાં પણ વરસાદની મોટી ખાધ

નવી દિલ્હી: ભારતમાં પૂર્વોત્તર રાજ્યો સિવાયના ક્ષેત્રોમાં હજુ સુધી ચોમાસાનો ભારે વરસાદ નોંધાયો નથી. પવનની દિશા વિપરીત હોવાના કારણે ઉત્તર-પશ્ચીમ ભારતનો વરસાદ પણ પૂર્વોત્તર રાજ્યોમાં ખેંચાઈ ગયો છે. દેશમાં વરસાદની ખાધ 18 ટકાએ પહોંચી છે. ગુજરાત, મહારાષ્ટ્ર જેવા મધ્ય ભારતના રાજ્યોમાં જ સૌથી વધુ ખાધ રહી છે અને તેને પગલે વાવેતરને પણ ફટકો છે. અત્યાર સુધીનું સરેરાશ વાવેતર ગત વર્ષની સરખાણમીએ 24 ટકા ઓછુ હોવાનું સરકારી રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.

ભારતીય હવામાન વિભાગના સિનિયર વૈજ્ઞાનિક ડો. આર.કે. જેનામણીએ જણાવ્યું હતું કે ઉત્તર-પશ્ચીમ ભારતમાં પૂર્વિય પવનો વરસાદ ખેંચી લાવે છે પરંતુ હાલ પશ્ચીમી પવન ફૂંકાઈ છે અને તેને કારણે ઉત્તર ભારતમાં હજુ વરસાદ થયો નથી. દક્ષિણ-પશ્ચીમી પવનોને કારણે ઉત્તર ભારતનો વરસાદ પણ પૂર્વોત્તર ભાગોમાં ખેંચાઈ ગયો છે અને તેને કારણે પૂર્વોત્તર રાજ્યોમાં અત્યાધિક વરસાદ અને પૂર પરિસ્થિતિ સર્જાઈ છે. સમગ્ર ભારતમાં અત્યાર સુધીના વરસાદની ખાધ 18 ટકા રહી છે જ્યારે આસામ અને મેઘાલયમાં સપ્તાહ દરમિયાન 40 ઇંચ જેવો અતિ ભારે વરસાદ થઇ ગયો છે.

આ સિવાય મણીપુર, ત્રિપુરા, સિક્કીમ અને પશ્ચીમ બંગાળમાં પણ ભારે વરસાદ થયો છે. તેઓએ જણાવ્યું કે ચોમાસાના વરસાદમાં બહુ મોટી ખાધ નથી તે સારી નિશાની છે પરંતુ વરસાદ વિનાના દિવસોની સંખ્યા વધી રહી છે અને ચોક્કસ ભાગોમાં અત્યાધિક વરસાદની માત્રા પણ વધી રહી છે જે ચિંતાજનક છે. આવતા ચાર-પાંચ દિવસ હજુ પવનની દિશા બદલે તેમ નથી. સમગ્ર ભારતમાં વરસાદની ખાધ 18 ટકા છે અને તેમાં સૌથી વધુ 31 ટકાની ખાધ ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છતીસગઢ, ઝારખંડ અને ઓડિસા જેવા મધ્ય ભારતમાં આવતા રાજ્યોમાં છે. આ રાજ્યોમાં કૃષિ ક્ષેત્રને પણ અસર થવા લાગી છે. વાવેતર સરેરાશ કરતાં ઓછુ છે.

હવામાન વિભાગે જો કે એમ કહ્યું કે દેશનાં 61 ટકા ભાગોમાં અત્યાર સુધીનો વરસાદ સરેરાશ કે તેનાથી વધુ છે જ્યારે 39 ટકામાં વરસાદની ખાધ છે. નિષ્ણાંતોના કહેવા પ્રમાણે છેલ્લા 3 વર્ષથી ભારતમાં ચોમાસુ નોર્મલ જ રહેતું હોવા છતાં વરસાદની વહેચણી ચિંતાજનક છે. અમુક ભાગોમાં અતિ ભારે વરસાદ થઇ રહ્યો છે. દેશના 27 રાજ્યોના 463 જિલ્લા અત્યાધિક વરસાદનો શિકાર બની રહ્યા છે. આ વિસ્તારોમાં એકસામટો વરસાદ વરસી જાય છે. વરસાદના રાઉન્ડ ઓછા થાય છે. અગાઉ દુષ્કાળગ્રસ્ત ગણાતા વિસ્તારોમાં હવે વારંવાર પૂર પરિસ્થિતિ ઉભી થઇ રહી છે. વરસાદ વિનાના દિવસોની સંખ્યા વધતી જાય છે.

દરમિયાન, કેન્દ્ર સરકારના રિપોર્ટમાં એમ દર્શાવવામાં આવ્યું છે કે 24 જૂનની સ્થિતિએ દેશમાં ખરીફ પાકોનું વાવેતર ગત વર્ષની સરખામણીએ ઓછું થયું છે અને તે પાછળનું કારણ અનિયમિત વરસાદ છે. પૂર્વોત્તર રાજ્યોમાં અતિ ભારે વરસાદની સામે મોટાભાગના વિસ્તારોમાં વાવણીલાયક અને સંતોષકારક વરસાદ વરસ્યો નથી. આ કારણે ખેડૂતો વાવેતર કરવામાં ખચકાટ અનુભવી રહ્યા છે.ચોમાસાના વરસાદનો એકાદ સારો રાઉન્ડ વરસી જવાના સંજોગમાં વાવેતર વેગ પકડશે. આવતા દિવસોમાં વાવેતર જોર પકડવાની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા એવો નિર્દેશ કરવામાં આવ્યો છે જ કે ચોમાસાની પાંખ કેટલાક દિવસોથી સ્થગીત હતી તે આજથી ફરી સક્રિય થઇ છે અને તેને પગલે આવતા દિવસોમાં ગુજરાત સહિતના ભાગોમાં મેઘમહેર શરુ થવાની સંભાવના છે.

 

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!