Dark Mode
Tuesday, 24 December 2024
Logo banner

રાજકોટ સહિત ગુજરાતના પાંચ શહેરોમાં રમાશે નેશનલ ગેમ્સ

રાજકોટ સહિત ગુજરાતના પાંચ શહેરોમાં રમાશે નેશનલ ગેમ્સ

ગુજરાત સહિત આખા દેશના ખેલાડીઓ રાષ્ટ્રીય કક્ષાની ટૂર્નામેન્ટમાં ભાગ લઈ બતાવશે રમત કૌશલ્ય

ભારતીય ઑલિમ્પિક સંઘ (આઈઓએ) અને રમત-ગમત મંત્રાલયે સાત વર્ષ બાદ નેશનલ ગેમ્સના આયોજન માટે કમર કસી લીધી છે. આ નેશનલ ગેમ્સ ગુજરાતના પાંચ શહેરોમાં આયોજિત કરવામાં આવશે. ટૂર્નામેન્ટનું ઉદ્ઘાટન અને સમાપન સમારોહ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થશે. અત્યારે આ રમતોત્સવ 10થી 25 સપ્ટેમ્બર વચ્ચે યોજવાની તૈયારી ચાલી રહી છે. ખેલાડીઓ માટે અત્યંત મહત્ત્વની ગણાતી આ ટૂર્નામેન્ટ ગુજરાત સરકારના સહયોગથી અમદાવાદ, રાજકોટ, સુરત, ભાવનગર અને વડોદરામાં આયોજિત કરવામાં આવશે.

ઑલિમ્પિક એસો.ની જાહેરાત: નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ટૂર્નામેન્ટનો ઉદ્ઘાટન-સમાપન સમારોહ યોજાશે: રાજકોટ ઉપરાંત અમદાવાદ, ભાવનગર, સુરત અને વડોદરામાં 10થી 25 સપ્ટેમ્બર વચ્ચે વિવિધ રમતો રમાશે

રાષ્ટ્રીય રમતોના આયોજનની સંભાવનાઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે રમત મંત્રાલય અને ‘સાઈ’ની ટીમ અત્યારે ગુજરાતમાં જ છે. રાષ્ટ્રીય ગેમ્સનું આયોજન લાંબા સમયથી ગોવામાં અધ્ધરતાલ પડેલું હતું. ગોવા સરકારે 2020માં પહેલાં કોરોનાનો હવાલો આપીને ટૂર્નામેન્ટનું આયોજન ટાળી દીધું હતું. ત્યારથી લઈને અત્યાર સુધી આ ટૂર્નામેન્ટ ગોવા સરકાર રમાડી શકી નથી. છેલ્લે આ ટૂર્નામેન્ટ 2015માં કેરળમાં રમાઈ હતી. રમતોનું આયોજન કરવાની જવાબદારી ઈન્ડિયન ઑલિમ્પિક એસોસિએશન (આઈઓએ) પાસે છે. આવામાં સરકાર તરફથી રમાડવામાં આવી રહેલી ‘ખેલો ઈન્ડિયા’ ટૂર્નામેન્ટને ધ્યાનમાં રાખી આઈઓએએ રમત-ગમત મંત્રાલયને સપ્ટેમ્બરમાં નેશનલ ગેમ્સનું આયોજન કરવાનો પ્રસ્તાવ આપ્યો છે જેનો સ્વીકાર કરી લેવામાં આવ્યો છે.

ભારતીય ઓલિમ્પિક એસો.એ રમત-ગમત મંત્રાલય સાથે શરૂ કરી તડામાર તૈયારીઓ: રાજ્ય સરકાર ટૂર્નામેન્ટ માટે કરશે તગડો ખર્ચ

બન્ને પક્ષો વચ્ચે ગુજરાતમાં આ ટૂર્નામેન્ટ રમાડવા અંગે સહમતિ પણ સધાઈ ચૂકી છે. અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉપરાંત અન્ય રમતો માટે શ્રેષ્ઠ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ છે એટલે મોટા ભાગની ગેમ અહીં જ રમાડાશે. બીજી બાજુ ગુજરાત સરકારે પણ આ રમતોના આયોજન માટે લીલીઝંડી આપી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. આઈઓએના મહાસચિવ રાજીવ મહેતા દ્વારા રમત એસોસિએશનોને લખવામાં આવેલા ઈ-મેઈલમાં કહેવામાં આવ્યું છે કે નેશનલ ગેમ્સ 2015થી પેન્ડીંગ છે. આવામાં ખેલાડીઓને નુકસાન જઈ રહ્યું છે. તેમણે રમત મંત્રાલયને 10થી 25 સપ્ટેમ્બર વચ્ચે નેશનલ ગેમ્સ રમાડવાનો પ્રસ્તાવ મુક્યો હતો

દરેક શહેરના એસો.ને ખેલાડીઓને તૈયાર કરવા લખાયો પત્ર: સાત વર્ષ પહેલાં કેરળમાં રમાઈ’તી નેશનલ ગેમ્સ: ‘સાઈ’ની ટીમના ગુજરાતમાં ધામા

જેનો સ્વીકાર થઈ ગયો છે. હાંગઝોઉ એશિયન ગેમ્સના કાર્યક્રમમાં ફેરફાર થતાં આ ટૂર્નામેન્ટ રમાડવા માટે સપ્ટેમ્બર યોગ્ય સમય છે. તેમણે રમત એસોસિએશનોને પોતાના ખેલાડીઓને તૈયાર રહેવા માટે પણ કહ્યું છે. નેશનલ ગેમ્સ માટે ટૂંક સમયમાં ટાસ્ક ફોર્સ અને વિવિધ કમિટીઓની રચના પણ કરવામાં આવશે. આ ટૂર્નામેન્ટનું આયોજન અત્યંત ભવ્યાતિભવ્ય રીતે કરાવવાની તૈયારી છે. ગુજરાત સરકાર અને રમત-ગમત મંત્રાલય આ ટૂર્નામેન્ટમાં રમાનારી રમતો માટે તગડો ખર્ચ કરશે. રમતો માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવા અને તેને તૈયાર કરવાની જવાબદારી ગુજરાત સરકારની રહેશે જ્યારે સાઈ તરફથી આઈઓએની આગેવાનીમાં રમતોનું આયોજન કરવામાં આવશે.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!