Dark Mode
Wednesday, 25 February 2026
Logo banner

ત્રણ માસમાં જ માત્ર સ્ટેટ મોનીટરીંગ સેલે 2.67 કરોડનો દારૂ પકડ્યો

ત્રણ માસમાં જ માત્ર સ્ટેટ મોનીટરીંગ સેલે 2.67 કરોડનો દારૂ પકડ્યો

એપ્રિલથી જૂન દરમિયાન 138 રેડ : 50 ટકાથી વધુ કેસોમાં સ્થાનિક પોલીસ સામે ખાતાકીય તપાસ

દારુબંધીનો આકરો કાયદો ધરાવતા ગુજરાતમાં માત્ર 3 મહિનામાં સ્ટેટ મોનીટરીંગ સેલે જ 2.67 કરોડનો શરાબ પકડી પાડ્યો છે. જે ગત વર્ષની સરખામણીએ 3.50 ગણો વધુ છે. રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયા હેઠળ સ્ટેટ મોનીટરીંગ સેલ કાર્યરત છે અને રાજ્યભરમાં વખતોવખત ગુનાહીત પ્રવૃતિઓ પર ત્રાટકીને સ્થાનિક પોલીસને ઉંઘતી રાખીને દારુ-જુગાર સહિતની પ્રવૃતિઓનો પર્દાફાશ કરે છે.

સ્ટેટ મોનીટરીંગ સેલે 1 એપ્રિલથી 27 જૂનના 3 મહિનાના સમયગાળામાં રુા. 2,66,65,733નો દારુ પકડી પાડ્યો છે. આ દરમિયાન 138 દરોડા પાડવામાં આવ્યા હતા. મહત્વની વાત એ છે કે 50 ટકા દરોડા પ્રકરણમાં સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર સહિતનાં અધિકારીઓ સામે ખાતાકીય તપાસ પણ હાથ ધરવામાં આવી છે. રુા. 25 હજારથી વધુનો શરાબ પકડવામાં આવ્યો હોય તેવા કેસોમાં પોલીસ અધિકારીઓ વિરુધ્ધ ખાતાકીય તપાસ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં એક પોલીસ ઇન્સ્પેક્ટર અને ફોજદારને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા રુા. 3,18,975નો દારુ અમદાવાદથી પકડ્યો છે જ્યારે સુરતમાંથી 8,53,336, વડોદરામાંથી 21,26,135નો દારુ પકડ્યો છે. સૌથી મોટી રેડ પંચમહાલમાં હાથ ધરવામાં આવી હતી અને એક જ દરોડામાં 47,40,400નો દારુ પકડવામાં આવ્યો હતો. ત્રણ મહિનાના દરોડાઓમાં 4,88,32,125ના વાહન અને મોબાઈલ સહિતના મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યા છે.

2021ના એપ્રિલથી જૂન મહિનાની સરખામણી કરવામાં આવે તો 340 ટકા વધુ દારુ પકડાયો છે. જ્યારે 2020ની સરખામણીમાં 179.6 ટકા વધુ જથ્થો પકડાયો છે. 2021માં 60,67,100નો દારુ પકડવામાં આવ્યો હતો. એપ્રિલથી જૂન 2022નાં ત્રણ માસમાં દારુ પકડવાના 138 કેસ સ્ટેટ મોનીટરીંગ સેલે કર્યા છે તે આંકડો 2021માં 53 અને 2020માં 52નો હતો.

સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા જે વિસ્તારમાં દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવે ત્યાંની લોકલ પોલીસના ધ્યાને કેમ ગુના ધ્યાનમાં ન આવ્યા તે મુદ્દે ખુલાસો પુછવામાં આવે છે અને ખાતાકીય તપાસ પણ કરવામાં આવે છે. જુગાર દરોડો હોય તો 15,000થી વધુની રકમ હાથ લાગે તો પોલીસ ઇન્સ્પેક્ટર સહિતનાં સ્થાનિક પોલીસ સામે ખાતાકીય તપાસ શરુ થાય છે. મોનીટરીંગ સેલે ગેરકાયદે ખનીજ ચોરીના પણ ત્રણ દરોડા હાથ ધર્યા હતા. અત્યાર સુધીમાં એક પોલીસ ઇન્સ્પેક્ટર અને એક ફોજદાર સસ્પેન્ડ થયા છે હજુ અનેક સામે ખાતાકીય તપાસ ચાલુ છે.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!