Dark Mode
Wednesday, 25 February 2026
Logo banner
અમદાવાદમાં વિરાટ રથયાત્રા: વરસાદનાં અમીછાંટણાં વચ્ચે ભાવિકોમાં ઉત્સાહના ઘોડાપૂર

અમદાવાદમાં વિરાટ રથયાત્રા: વરસાદનાં અમીછાંટણાં વચ્ચે ભાવિકોમાં ઉત્સાહના ઘોડાપૂર

અષાઢી બીજની ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ‘જય રણછોડ માખણચોર’ના ગગનભેદી જયઘોષ

* કોરોના કાળના બે વર્ષ બાદ શ્રધ્ધાળુઓને રથયાત્રામાં સામેલ કરવાની છૂટ મળી હોવાથી અભૂતપૂર્વ ઉત્સાહ : હેલિકોપ્ટરમાંથી પુષ્પવર્ષા : સમગ્ર રૂટ પર લોખંડી બંદોબસ્ત : 25000 જવાનો તૈનાત

અષાઢી બીજના પવિત્ર દિવસે બે વર્ષ બાદ આજે અમદાવાદમાં વિશ્ર્વ પ્રસિધ્ધ ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રા યોજાઈ હતી અને તેમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. રથયાત્રાના સમગ્ર માર્ગ પર જડબેસલાક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને હજારોની સંખ્યામાં જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.

બે વર્ષના અંતરાલ બાદ ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા યોજાઈ હતી જેમાં ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. જય રણછોડ-માખણચોરના ગગનભેદી નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ભગવાન જગન્નાથજી, બળભદ્રજી અને સુભદ્રાજીના રથ નગરચર્યાએ નીકળ્યા સાથે જ હેલિકોપ્ટરમાંથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી. વ્હેલીસવારે 5.30 વાગ્યે ભગવાન જગન્નાથજી, બળભદ્રજી તથા સુભદ્રાજીની મૂર્તિઓને રથમાં બિરાજવામાન કરાવવામાં આવી હતી અને ત્યારબાદ સોનાની સાવરણીથી કચરો વાણીને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા પહિંદવિધિ કરાવવામાં આવી હતી.

જય રણછોડ માખણચોરના નાદ સાથે સમગ્ર રુટ પર ભાવિકોનો જોરદાર ધસારો રહ્યો છે. ભગવાનના રથ આગળ ગજરાજો, રાસ મંડળીઓની રમઝટ રહી છે. રથયાત્રાના રુટ પર રામ મંદિરની ઝાંખી પણ કરાવવામાં આવી હતી. રથયાત્રા ભગવાન જગન્નાથ મંદિરેથી શરુ થયા બાદ જમાલપુર તરફ આગળ ધપી હતી. રથયાત્રામાં 101 સુશોભીત ટ્રક જોડાયા હતા. આ ટ્રકનું એન્ટી સબોટેડ ચેકીંગ કરવામાં આવ્યું હતું. દર 10 ટ્રક બાદ એક પોલીસવાન ગોઠવવામાં આવી હતી. તેમજ જીપીએસની મદદથી વાહનોનું લાઇવ ટ્રેકીંગ કરવામાં આવ્યું હતું.

અમદાવાદના સંવેદનશીલ સહિતના વિસ્તારોમાંથી રથયાત્રા પસાર થઇને મોડી સાંજે મંદિરે પરત ફરશે તે પૂર્વે બપોરે સરસપુરમાં રોકાણ કરશે. રાયપુર ચકલા, ખાડિયા ચાર રસ્તા, કાલુપુર સર્કલ, સરસપુર, પ્રેમ દરવાજા,દિલ્હી ચકલા, શાહપુર, ઘીકાંટા, પાનકોર, માણેકચોક થઇને મોડી સાંજે મંદિરમાં પરત આવશે.

રથયાત્રામાં સુરક્ષાનો લોખંડી બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. થ્રી લેયર સુરક્ષા રાખવામાં આવી છે. પોલીસ દ્વારા હેલિકોપ્ટરથી સર્વેલન્સ કરવા ઉપરાંત માર્ગ પર ફેસ ડીટેક્ટર કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ડ્રોનથી પણ વોચ રાખવામાં આવી રહી છે. હાઈ રીઝોલ્યુશન સીસીટીવી કેમેરા મુકવામાં આવ્યા છે. 2500 બોડીવોન કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આઠ સ્થળોએ મીની કંટ્રોલ રુમ ઉભા કરવામાં આવ્યા છે. વિવિધ રેન્કના 25000 જવાનોને સુરક્ષા માટે તૈનાત કરાયા છે.

પરંપરા જળવાઈ : કોરોના રિપોર્ટ નેગેટીવ આવી જતા મુખ્યમંત્રીએ પહિંદવિધિ કરાવી
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ત્રણેક દિવસ પૂર્વે કોરોના સંક્રમીત થતા અષાઢી બીજની રથયાત્રામાં પહિંદવિધિ નહીં કરાવી શકે તેવી અટકળો વ્યક્ત થવા લાગી હતી. અષાઢી બીજની રથયાત્રામાં મુખ્યમંત્રી દ્વારા જ પહિંંદવિધિ કરાવવાની પરંપરા છે અને પ્રથમ વખત તે તૂટે તેવી આશંકા હતી પરંતુ ગઇકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો ફરી વખત ટેસ્ટ કરાવવામાં આવતા કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો તેને પગલે આજે તેઓ રથયાત્રામાં સામેલ થયા હતા અને પહિંદવિધિ કરાવીને પરંપરા જાળવી હતી.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળા આરતીમાં ભાગ લીધો
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે વ્હેલીસવારે ચાર વાગ્યે જગન્નાથ મંદિરે જઇને મંગળા આરતીમાં ભાગ લીધો હતો. મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા.અમિત શાહ વર્ષોથી અષાઢી બીજે જગન્નાથજીની મંગળા આરતીમાં સામેલ થાય છે અને તેઓએ આ વખતે પણ પરંપરા જાળવી હતી.

 

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!