Dark Mode
Monday, 23 December 2024
Logo banner

ઈ-મેમો મામલે CPને લીગલ નોટિસ: કોર્ટ કન્ટેમ્પ્ટની ચીમકી

ઈ-મેમો મામલે CPને લીગલ નોટિસ: કોર્ટ કન્ટેમ્પ્ટની ચીમકી

‘ઉઘાડી’ લૂંટ સામે ફરી એક વાર યુવા લોયર્સ એસો. રાજકોટ વાસીઓની વહારે આવ્યું
પોલીસે કરેલા મેસેજો બાદ મેમો ભરવા જતા નાગરિકો પાસેથી છ મહિના પહેલાના મેમોની ઉઘરાણી, ન ભરે તો વાહન ડિટેઈન કરવાની પોલીસની લુખ્ખી ધમકી સામે વકીલ સંગઠને બાંયો ચડાવી

ખોટા મેસેજો કરવાનું પોલીસ બંધ નહીં કરે તો અદાલતના તિરસ્કારની કાયદેસર કાર્યવાહી કરવા યુવા લોયર્સ એસો. તૈયાર: ફરી કાનૂની લડતના મંડાણ

રાજકોટમાં ઈ-મેમોને લઈ પ્રથમથી જ લોકોમાં ભારે રોષ છે, ત્યારે ઈ-મેમો ભરો અથવા લોક અદાલતમાં હાજર રહો તેવો મેસેજ પોલીસે અનેક વાહન ચાલકોને કરતા ફરી વિવાદ વકર્યો છે. તેમાં પણ મેમો ભરવા જતા લોકો પાસેથી 6 મહિના પહેલાના મેમોની માંગણી થતા રાજકોટના યુવા લોયર્સ એસો.ના વકીલો દ્વારા રાજકોટ પોલીસ કમિશ્ર્નરને લીગલ નોટિસ ફટકારી કોર્ટ ઓફ કન્ટેમ્પટની કાર્યવાહી કરવા ચીમકી આપી છે.

ડી.જી. શાહ અને કે.ડી. શાહ એડવોકેટ દ્વારા તેમના અસીલ એડવોકેટ હેમાંશુ એચ. પારેખ વતી સીપી, એસપી ટ્રાફિક અને પીઆઈ ટ્રાફિક બ્રાંચને આ નોટિસ પાઠવાઈ છે. નોટિસમાં જણાવાયું છે કે રાજકોટની જનતાને ટ્રાફીક નિયમન ભંગ અંગે ઈ-મેમો/ઈ-ચલણ મોકલી અને ત્યારબાદ આપને સત્તા ન હોવા છતા ગેરકાયદેસર રીતરસમો અપનાવવામાં આવતી, જેને ચેલેન્જ કરતો દાવો મારા અસીલોએ રાજકોટની દિવાની કોર્ટમાં દાકલ કરેલ છે જે હજુ ન્યાય નિર્ણય વાસ્તે પેન્ડીંગ છે.

વધુમાં ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ-468ની જોગવાઈ મુજબ કોઈપણ દંડનીય રકમ કે પેનલ્ટીની વસુલાત માટેની નિર્દિષ્ટ સમયમર્યાદા 6 માસની છે, ત્યારબાદ તે રકમ કે કોઈપણ પ્રકારના સરકારી લેણાની વસુલાત થઈ શકતી નથી. વધુમાં તેજ રીતે ઈ-મેમોની ગેરકાયદેસર વસુલાતને ચેલેન્જ કરતી એક ફોજદારી પરચુરણ અરજી એડવોકેટ ગીરીરાજસિંહ ચંદ્રસિંહ જાડેજા દ્વારા રાજકોટની ફોજદારી કોર્ટમાં દાખલ કરવામાં આવેલ. જેમાં ના.ફોજદારી કોર્ટે ગત તા.29/4/2022ના રોજ આંક-7 હેઠળ હુકમ કરી સદરહુ સ્પષ્ટ હુકમ કરેલ છે કે 6 મહિના સુધીના મેમોમાં કોર્ટમાં કેસ કરવો.

આમ ફોજદારી કોર્ટ રાજકોટે તા.29-4-2022ના રોજ કરેલ હુકમની એક નકલ આપને પહોંચાડવામાં આવેલ છે તે સંજોગોમાં કોર્ટના હુકમથી આપ સર્વે સુવિદિત છો, એટલે કે આપની જાણમાં છે. તમામ હકીકતો હોવા છતા તાજેતરમાં રાજકોટની જાહેર જનતાના જે કોઈ વાહનોના ઈ-મેમો કે ઈ-ચલણ પેન્ડીંગ હોય તેઓને તેઓના રજીસ્ટર મોબાઈલ નંબર ઉપર એવો મેસેજ મોકલવામાં આવી રહેલ છે કે તમારા લોક અદાલતમાં દાખલ કરેલ ઈ ચલણ કે તેનું પેમેન્ટ બાકી છે કોર્ટમાં તમારી હાજરી ટાળવા માટે તેને તા.26/6/2022 પહેલા ચુકવો.

આમ જે મેસેજ રાજકોટની કાયદાથી અજ્ઞાત જાહેર જનતાને મોલકવામાં આવી રહેલ છે તેમાં કયાંય કયાં અને કેટલા જુના ઈ મેમો કે ઈ ચલણની રકમ બાકી છે તેનો સ્પષ્ટ ઉલ્લેખ નથી તેમજ મળેલ માહિતી મુજબ જયારે આ ઈ મેમો કે ઈ ચલણ ભરવાનો પ્રયત્ન કરવામાં આવે છે ત્યારે 6 મહિના જુના એટલે કે મુદત બહારના ઈ મેમો કે ઈ ચલણની રકમ ભરવાનો પણ આગ્રહ રાખવામાં આવે છે. કે તે રકમ ભરવાનું પણ કહેવામાં આવે છે અન્યથા વાહન ડીટેઈન કરવાની ગેરકાયદેસર રીતે ધમકીઓ આપવામાં આવે છે.

ઉપરોકત તમામ હકીકત ફોજદારી કોર્ટના હુકમનો આઉટ રાઈટ ક્રિમીનલ કન્ટેમ્પ છે અને તે રીતે રાજકોટની સામાન્ય અને કાયદાથી અજ્ઞાત જાહેર જનતાને અનડયુ પ્રેસરાઈઝ કરવામાં આવી રહેલ છે અને ફોજદારી કોર્ટના હુકમ મુજબ અનડીસ્પોઝડ મેમો કે જે સમય મર્યાદામાં છે તેની વસુલાત સારુ એનસી ફાઈલ ન કરવા પડે તે હેતુથી આપના દ્વારા કે આપતા તાબાના અધિકારીઓ દ્વારા ગેરકાયદેસર રીત રસમો અપનાવી જાહેર જનતાને મેસેજ મોકલી ખોટુ અને ગુન્હાહીત દબાણ કરવામાં આવી રહેલ છે.

તમામ સંજોગોમાં તમોને આ નોટીસ અપાઈ છે અને આખરી તાકીદ કરવામાં આવી છે કે આ નોટીસ મળ્યે તાત્કાલીક અસરથી ઈ-મેમોની દંડની વસુલાત વાસ્તેની ગેરકાયદેસર રીત રસમો બંધ કરવાની તેમજ જાહેર જનતાને ભરમાવતા ખોટા મેસેજ ફોરવર્ડ કરવાની કાર્યવાહી તાત્કાલીક બંધ કરશો અન્યથા ફોજદારી કોર્ટના ક્રિમીનલ કન્ટેમ્પટ અંગે તમો બધા સામે કાયદેસર કાર્યવાહી કરવાની ફરજ પડશે. જેની સ્પષ્ટ નોંધ લેવા પોલીસ અધિકારીઓને નોટિસ દ્વારા જણાવાયું છે.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!