Dark Mode
Wednesday, 25 February 2026
Logo banner

સૂર્યકુમારની સદી એળે ગઈ: છેલ્લી ટી-20માં ટીમ ઈન્ડિયા સામે 17 રને જીત

સૂર્યકુમારની સદી એળે ગઈ: છેલ્લી ટી-20માં ટીમ ઈન્ડિયા સામે 17 રને જીત

ઈંગ્લેન્ડે ‘વ્હાઈટ વોશ’ ટાળ્યો: સૂરમાઓ ફરી નિષ્ફળ: એક સમયે પાંચ ઓવરમાં 31 રને ત્રણ વિકેટ પડી ગયા બાદ સૂર્ય-શ્રેયસે મળીને 61 બોલમાં ઝૂડ્યા 119 રન

લક્ષ્યાંક મોટો હતો અને શરૂઆત ખરાબ થઈ હતી આવામાં મુંબઈના બે ખેલાડીઓએ પોતાની શાનદાર રમત બતાવીને ઈંગ્લેન્ડ ટીમમાં ખળભળાટ મચાવી દીધો હતો. ‘સ્કાઈ’નું નિકનેમ મેળવનારા સૂર્યકુમાર યાદવે ઈંગ્લીશ બોલરોની ધોલાઈ કરવાની જવાબદારી ઉઠાવી તો બીજા છેડે ઉભેલો શ્રેયસ અય્યર પણ જામી ગયો હતો.

સૂર્યએ શાનદાર સદી ફટકારી અને ચોથી વિકેટ માટે રેકોર્ડ ભાગીદારી કરી ટીમને વિશાળ લક્ષ્યાંકની નજીક પહોંચાડી હતી. જો કે 19મી ઓવરમાં તેના આઉટ થતાંની સાથે જ ભારતની જીતવાની સંભાવના લગભગ પૂરી થઈ ગઈ હતી. સૂર્યકુમારે 48 બોલમાં સદી પૂર્ણ કરી હતી. તે ભારત વતી ટી-20 આંતરરાષ્ટ્રીયમાં સદી બનાવનારો પાંચમો બેટર બન્યો છે. ઈંગ્લેન્ડે આ મેચ 17 રનથી જીતી પરંતુ ભારતે શ્રેણી 2-1થી પોતાના નામે કરી લીધી હતી. પ્લેયર ઑફ ધ મેચ રોસ ટોપ્લીએ 22 રન આપીને ત્રણ વિકેટ મેળવી તો ભુવનેશ્ર્વર કુમારને મેન ઑફ ધ સિરીઝ જાહેરકરાયો હતો.

મોટા ટાર્ગેટનો લક્ષ્યાંક હાંસલ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી. ટોપ-3માં કોઈનું બેટ ચાલ્યું નહોતું. રોહિત શર્મા (11 રન), ઋષભ પંત (1 રન) અને વિરાટ કોહલી (11 રન) પાવરપ્લેમાં જ આઉટ થઈ ગયા હતા. પાંચ ઓવર બાદ ભારતનો સ્કોર ત્રણ વિકેટે 31 રન હતો. ત્યારપછી શરૂ થઈ સૂર્યકુમાર અને શ્રેયસ અય્યર (28 રન) વચ્ચેની ભાગીદારી. બન્નેએ આગલા 61 બોલમાં 119 રન ઝૂડીને ટીમને વિનિંગ ટ્રેક પર લાવી દીધી હતી. જો કે અંતિમ ચાર ઓવરમાં પાંચ વિકેટ પડી જતાં ટીમ ખખડવા લાગી હતી.

ભુવનેશ્વર કુમાર મેન ઑફ ધ સિરીઝ, રોસ ટૉપ્લી મેન ઑફ ધ મેચ: ઈંગ્લેન્ડે આપેલા 216 રનના લક્ષ્યાંક સામે ટીમ ઈન્ડિયા 198એ થંભી ગઈ

આ પહેલાં ઈંગ્લેન્ડના કેપ્ટન જોશ બટલરે બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બટલર ફરી એકવાર કશું ખાસ કરી શક્યો નહોતો પરંતુ ડેવિડ મલાન (77 રન) અને લિયામ લિવિંગસ્ટોન 942 રન)ની તાબડતોબ બેટિંગથી ઈંગ્લીશ ટીમે ભારતને 216 રનનો મોટો લક્ષ્યાંક આપ્યો હતો. ડેવિડ-લિયામની જોડીએ ચોથી વિકેટ માટે 42 બોલમાં 84 રન બનાવ્યા હતા. પહેલી બે ટી-20 મેચ જીતીને શ્રેણી કબજે કરી ચૂકેલી ટીમ ઈન્ડિયાએ અંતિમ મેચ માટે ચાર ફેરફાર કર્યા હતા. ભારતે પ્લેઈંગ ઈલેવનમાં હાર્દિક, ભુવનેશ્ર્વર, બુમરાહ અને ચહલની જગ્યાએ શ્રેયસ, આવેશ, ઉમરાન અને રવિ બિશ્નોઈને ઉતાર્યા હતા.

વિરાટનું પ્રદર્શન ફરી કંગાળ: હવે જગ્યા પર જોખમ
ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહેલા વિરાટ કોહલીએ ફિલ્ડિંગમાં પહેલાં લિયામ લિવિંગસ્ટોનનો કેચ છોડી દીધા બાદ બેટિંગમાં આવ્યા બાદ માત્ર 11 રન જ બનાવતાં તેનું કંગાળ પ્રદર્શન યથાવત રહેવા પામ્યું છે. બેટિંગમાં સતત બે બાઉન્ડ્રી લગાવીને તેણે આક્રમક વલણ તો દાખવ્યું પરંતુ તેના આગલા જ બોલે આઉટ થઈ જતાં હવે આવનારી મેચમાં તેને સ્થાન મળશે કે નહીં તે મોટો પ્રશ્ન થઈ જશે.

કાલથી ભારત-ઈંગ્લેન્ડ વન-ડે શ્રેણીનો પ્રારંભ
એકમાત્ર ટેસ્ટ મેચમાં હાર મળ્યા બાદ ગજબ કમબેક કરીને ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ સામે ટી-20 શ્રેણી 2-1થી જીતી લીધી છે. હવે આવતીકાલથી બન્ને વચ્ચે લંડનના કેનિંગ્ટન ઓવલમાં સાંજે 5:30 વાગ્યાથી વન-ડે મુકાબલો શરૂ થશે. ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વન-ડે શ્રેણી રમાવાની છે જેનો પ્રથમ મુકાબલો કાલે રમાયા બાદ બીજી મેચ 14મીએ તેમજ ત્રીજી અને અંતિમ મેચ 17મીએ રમાશે. કાલની અને તેના પછીની મેચ 5:30 વાગ્યે તો ત્રીજી મેચ 3:30 વાગ્યાથી શરૂ થશે.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!