રાજકોટમાં ચોંકાવનારો કિસ્સો: ‘ગે’ એપ મારફત યુવક ‘ગે’ પાર્ટનરને મળવા ગયો, 4 શખસે રૂમમાં ગોંધી અર્ધનગ્ન વીડિયો ઉતારી 50 હજારની માગ કરી
મૂળ સાયલા પંથકના અને હાલ રાજકોટના કુવાડવા રોડ પરની સોસાયટીમાં રહેતા 21 વર્ષના કોલેજીયન વિદ્યાર્થીએ ‘ગે’ને લગતી એક એપ્લિકેશન ડાઉનલોડ કરી રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. બાદમાં એક અજાણ્યા શખ્સે એપ્લિકેશનમાં મેસેજ કરી તેને રૂબરૂ મળવા બોલાવ્યો હતો. આથી યુવક ‘ગે’ પાર્ટનર સમજી મળવા ગયો તો તેને આવાસ યોજનાના ક્વાર્ટરના એક રૂમમાં લઇ જવાયો હતો. અહીં રૂમમાં અન્ય ત્રણ શખસ પણ હતા. બાદમાં ચારેય શખસે યુવકને ગોંધી રાખી રૂ.400 પડાવી લીધા હતા અને અર્ધનગ્ન હાલતમાં તેનો વીડિયો ઉતારી લીધો હતો. આ વીડિયો વાઇરલ નહીં કરવા બદલ રૂ. 50 હજારની માગણી કરી હતી. બાદમાં યુવકને છોડી દેતા આ અંગે યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ કૃત્ય કરનાર ચાર શખસની ટોળકીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.
એપ્લિકેશનમાં યુવકને અજાણી વ્યક્તિનો Hiનો મેસેજ આવ્યો
ભોગ બનનાર યુવક ટીવાય બી.કોમના પાંચમાં સેમેસ્ટરમાં અભ્યાસ કરે છે. તેણે પોલીસને જણાવ્યું છે કે, ત્રણેક દિવસ પહેલા તેણે ‘ગે’ ને લગતી એક એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી. જેમાં સમલૈંગિક સંબંધો ધરાવતા લોકોનું ગ્રુપ હોય છે. જેમાં તેણે રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ ગઈકાલે બપોરે તે એપમાંથી અજાણ્યા વ્યક્તિએ ‘Hi’નો મેસેજ કર્યો હતો. આથી તેણે પણ સામે ‘Hi’નો મેસેજ કર્યો હતો. સામાવાળા વ્યકિતએ તેની ઉંમર પૂછતાં 21 વર્ષ કહ્યું હતું. બાદમાં તેને કેકેવી હોલ ચોકમાં રૂબરૂ મળવા બોલાવતા ગઈકાલે બપોરે બાઈક લઈને ત્યાં પહોંચ્યો હતો. અહીં તે અજાણ્યો વ્યક્તિ તેને મળ્યો હતો. તેણે ચાલ હવે આપણે રૂમ પર જઈએ તેમ કહેતા તેની સાથે નીકળ્યો હતો.
યુવકને છરી બતાવી પાકીટ, મોબાઈલ પડાવ્યા
ત્યારબાદ તે અજાણી વ્યક્તિ તેને નાણાંવટી ચોકમાં આવેલા આવાસ યોજનાના ક્વાર્ટરમાં વિંગ-13માં પહેલા માળે આવેલા ક્વાર્ટરમાં લઈ ગયો હતો. રૂમનું તાળું ખોલી બન્ને અંદર ગયા તે સાથે જ બીજા ત્રણ અજાણ્યા માણસો રૂમમાં ધસી આવ્યા હતા. તેમણે રૂમ અંદરથી બંધ કરી દીધો હતો. બાદમાં યુવકને છરી બતાવી કહ્યું કે ‘તારી પાસે પાકીટ, મોબાઈલ ઉપરાંત જે હોય તે આપી દે, નહીંતર અહીં જ પતાવી દઈશું.’ આ વાત સાંભળી ગભરાય ગયેલા યુવકે તુરંત પોતાનું રૂ.400ની રોકડ સાથેનું પાકીટ અને મોબાઈલ આપી દીધો હતો. તેમજ યુવકના બાઈકની ચાવી પણ લઈ લીધી હતી. આ પછી તેને ચારેય શખ્સોએ અમે કહીએ તેમ બોલ તેમ કહી તેને અર્ધનગ્ન કરી નાખ્યો હતો.
વીડિયો વાઇરલ નહીં કરવા બદલ 50 હજાર માગ્યા
અર્ધનગ્ન હાલતમાં યુવક પાસે એવું બોલાવડાવ્યું કે ‘હું આ સાઈટ મારફત નાની ઉંમરના છોકરાઓ સાથે સંપર્ક કરી, તેમને મળવા બોલાવી, તેની સાથે સંબંધ રાખું છું. હવે પછી હું આવું નહીં કરૂ મને માફ કરી દો.’ બાદમાં ચારેય શખસે મોબાઈલ ફોનમાં યુવકનો અર્ધનગ્ન હાલતમાં વીડિયો ઉતાર્યો હતો. આ વીડિયો વાઇરલ નહીં કરવા બદલ યુવક પાસેથી રૂ.50 હજારની માગણી કરી હતી. આથી યુવકે કાકાને કોલ કરી રૂ.50 હજાર આપી જવાનું કહેતા સાંજે વ્યવસ્થા કરી આપશે તેમ કહ્યું હતું.
પોલીસે ચારેય શખસને ઝડપી લઇ તપાસ હાથ ધરી
તપાસ દરમ્યાન આ કૃત્ય કરનાર ચારેય આરોપીઓ અફ્રિદ ફીરોઝ કાદરી, અમન સલીમભાઈ કાદરી, સોહીલ હાજીભાઈ કાદરી અને ભાર્ગવ રાજેશ ડાભી ઓળખાય જતા ગુનો દાખલ કરી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ભોગ બનનાર યુવકને ગઇકાલે કેકેવી ચોકમાં મળનાર આવેલા આરોપીનું નામ ભાર્ગવ છે, બાકીના ત્રણેય આરોપીએ ક્વાર્ટર પર અર્ધનગ્ન હાલતમાં વીડિયો ઉતારી પૈસાની માગણી કરી હતી.
Comment / Reply From
You May Also Like
Popular Posts
-
બોટાદ લઠ્ઠાકાંડ મામલો, મુ...
- Post By Saurashtra Khabar
- July 26, 2022
-
દ્રૌપદી મુર્મુ અત્યાર સુધ...
- Post By Saurashtra Khabar
- July 25, 2022
-
બોરસદ: ચેકિંગ માટે ટ્રક ર...
- Post By Saurashtra Khabar
- July 20, 2022
-
અમદાવાદના પરિમલ ગાર્ડન પા...
- Post By Saurashtra Khabar
- June 25, 2022
Newsletter
Subscribe to our mailing list to get the new updates!
