Dark Mode
Wednesday, 25 February 2026
Logo banner

રાજકોટમાં એક કલાકમાં ધોધમાર 1 ઇંચ વરસાદ: 40 જેટલા વૃક્ષ ધરાશાયી

રાજકોટમાં એક કલાકમાં ધોધમાર 1 ઇંચ વરસાદ: 40 જેટલા વૃક્ષ ધરાશાયી

રેસકોર્સ રોડ પર ગેલેક્સી એપાર્ટમેન્ટ પાસે વૃક્ષ ધરાશાયી થતા કારનો કચ્ચરઘાણ વળ્યો, કુવાડવા રોડ પર વૃક્ષ પડતા ટ્રાફિક અટવાયો : ફાયર બ્રિગેડની ટીમ દોડતી રહી

રાજકોટમાં એક કલાકમાં ધોધમાર 1 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. અનેક સ્થળે વૃક્ષ ધરાશાયી થયા હતા. ભારે પવન ફૂંકાયો હતો અને સાથે વીજળીના કડાકા ભડાકા પણ સાંભળવા મળ્યા હતા. બપોરબાદ અચાનક શહેરનું વાતાવરણ પલટાયુ હતું અને શહેરને કાળા ડિબાંગ વાદળોએ ઘેરી લીધું હતું. અને 40 કિલોમીટર જેટલા ઝંઝાવાતી પવન સાથે વરસાદ ખાબકી ગયો હતો. મળતી વધુ વિગતો મુજબ રાજકોટમાં પોલીસ હેડ ક્વાર્ટર, એરપોર્ટ રોડ, હેમુ ગઢવી રોડ, રેસકોર્સ રોડ, ભગવતીપરા સહિતના વિસ્તારોમાં 40 જેટલા નાના-મોટા વૃક્ષો પણ ધરાશાયી થઇ ગયા હતા. જેના કારણે ફાયર બ્રિગેડની ટીમ સતત દોડતી રહી હતી.

સાંજે ચારેક વાગ્યા આસપાસ વરસાદ ચાલુ થયો હતો. ફાયર બ્રિગેડના ચોપડે નોંધાયેલા આંકડા મુજબ સાંજે પાંચ વાગ્યા સુધીમાં સેન્ટ્રલ ઝોનમાં 20 એમએમ અને વેસ્ટ ઝોનમાં 14 એમએમ, ઇસ્ટ ઝોનમાં પણ 14 એમએમ વરસાદ પડ્યો હતો.

શહેરના રૈયા રોડ, રેસકોર્સ રોડ, યાજ્ઞિક રોડ, ગોંડલ રોડ, કાલાવડ રોડ, પેડક રોડ, સંત કબીર રોડ, 150 ફૂટ રિંગ રોડ, યુનિવર્સિટી સહિતના મુખ્ય માર્ગો ઉપર પાણી ફરી વળ્યાં હતા. લોકો વરસાદની મજા લેવા બહાર નીકળ્યા હતા. ભારે બફાર માંથી લોકોએ મુક્તિ મેળવી હતી અને શહેરમાં ઠંડક પ્રસરી ગઈ છે. આ તરફ ભારે પવનના કારણે અનેક સ્થળોએ વૃક્ષ, હોર્ડિંગ ધરાશાયી થયાનું જાણવા મળ્યું છે. રેસકોર્સ રોડ પર ગેલેક્સી એપાર્ટમેન્ટ પાસે આકાશવાણી સ્ટેશન સામે એક વૃક્ષ ધરાશાયી થઈ એક કાર ઉપર પડતા કારમાં નુકસાન થયું હતું. કુવાડવા રોડ પર પણ વૃક્ષ ધરાશાયી થતા રોડ પર વાહનો અટવાયા હતા. તેમજ પેલેસ રોડ પર એક હોર્ડિંગ્સ પડ્યું હતું.

રૈયા રોડ ઉપર સદગુરુ તીર્થધામ કોમ્પ્લેક્સ પાસે પણ હોર્ડિંગ્સ ધરસાઈ થયું હતું. ત્યાં હોર્ડિંગ્સ માટે બનાવાયેલો મોટો સિમેન્ટનો પિલર જમીન ઉપર પટકાતા રોડ પર ખાડો પડી ગયો હતો. જે વખતે વીજ વાયરો પણ તૂટતા આસપાસની દુકાનોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. જોકે સદનસીબે આ ઘટનાઓમાં કોઈને ઇજા કે જાનહાની થઈ નહોતી.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!