Dark Mode
Wednesday, 25 February 2026
Logo banner

રાજકોટ: ન્યારી ડેમનાં ભાગમાં નબીરાઓ સ્ટંટ કરતા હોય તેવો વીડિયો થયો વાયરલ, ઈન્સ્ટા રીલ માટે રિયલ લાઇફ જોખમમાં મૂકી

રાજકોટમાં છેલ્લા 2 દિવસથી મેઘમહેર કોવા મળી રહી છે. આવા સમયે આજી ડેમ અને ન્યારી ડેમે નવાં નીરને નિહાળવા લોકો ઊમટી રહ્યા છે ત્યારે કેટલાક તત્ત્વો ભીડને જોઇ સીનસપાટા કરવાની કુટેવ ધરાવતા હોય છે, આવા જ કેટલાક શખ્સોએ ન્યારી ડેમે એવા કરતૂત કર્યા હતા કે તેમના કરતૂતો જોઇને લોકો ચોંકી ગયા હતા. ત્રણ શખ્સે પોતાના કબજાની જીપ ડેમની અંદર બોનેટ ડૂબે ત્યાં સુધી પાણીમાં લઇ ગયા હતા, એક જીપ ચલાવતો હતો, જ્યારે અન્ય બે જીપમાં બંને સાઇડ ઊભા રહી હાકલા પડકારા કરતા હતા. હાલ આ વીડિયો વાઇરલ થતાં ચકચાર મચી જવા પામ્યો છે. પોલીસ આ તત્ત્વોને શોધી તેને કાયદાનું ભાન કરાવશે કે કેમ તેના પર મીટ મંડાઇ છે.

તંત્ર દ્વારા ડેમ નજીક ન જવાની સૂચના
નોંધનીય છે કે, રાજકોટમાં મંગળવારે પડેલા ભારે વરસાદને પગલે તંત્ર દ્વારા ડેમ, તળાવ, સરોવર નજીક બિન જરૂરી પ્રવાસ ટાળવાની સૂચના જાહેર કરવામાં આવી હતી. છતાં આવારા તત્વોને જાણે જોખમી સ્ટંટ કરવાનું ઘેલું લાગ્યું હોય તેમ ખુલ્લી જીપ પર સવાર થઈને જીપ ડેમની અંદર બોનેટ ડૂબે ત્યાં સુધી પાણીમાં લઇ ગયા હતા. એ સમયે તેના મિત્રો આ દૃશ્યોનું શૂટિંગ કરી રહ્યા હતા અને આસપાસ ઉભેલા લોકો પણ આ જોખમી સ્ટંટને નિહાળી રહ્યા હતા.

આ વીડિયો ચર્ચાનું કેન્દ્ર બન્યો
સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે યુવાનો અને યુવતીઓ અવનવા અખતરા થકી જીવન જોખમમાં મુકતા હોય છે. વાહનો પર સ્ટંટ કરીને સોશિયલ મીડિયા પર વીડિયો અપલોડ કરવામાં આવે છે. જો કે સોશિયલ મીડિયામાં ફોલોઅર્સ વધારવાનો આવો ક્રેઝ ભારે પડી શકે છે. ઘણી વખત આવા સ્ટંટને કારણે અન્ય લોકોના જીવને પણ જોખમ ઊભું થવાની શક્યતા રહે છે. ત્યારે રાજકોટમાં વાઇરલ થયેલો આ વીડિયો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!