Dark Mode
Wednesday, 25 February 2026
Logo banner

સર્વેશ્વર ચોકમાં વી.જે.સન્સ પટોળા શોરૂમમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી લેતી શહેર ક્રાઇમ બ્રાંચની ટીમ: 4 ઝડપાયા

સર્વેશ્વર ચોકમાં વી.જે.સન્સ પટોળા શોરૂમમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી લેતી શહેર ક્રાઇમ બ્રાંચની ટીમ: 4 ઝડપાયા

પીઆઇ જે.વી.ધોળા, પીઆઇ વાય.બી.જાડેજાની સુચનાથી તપાસમાં રહેલ પીએસઆઇ એ.બી.વોરા અને ટીમનાં એએસઆઇ પ્રતાપસિંહ ઝાલા, હે.કો. કિરતસિંહ ઝાલા, મહિપાલસિંહ ઝાલા, કોન્સ. ચેતનસિંહ ગોહિલ, પ્રદિપસિંહ જાડેજા અને નગીનભાઇ ડાંગરે સરધાર ક્વાર્ટરમાંથી હરી ગોહિલ (ઉ.42), મનીષ જીતીયા (ઉ.35), સાહેબસિંધ ઉર્ફે રાજુ ટાંક (ઉ.33) અને સુજાનસિંધ ટાંક (ઉ.32)ની ધરપકડ કરી ચોરીનો મુદામાલ તથા ઇકો કાર અને ત્રણ મોબાઇલ ફોન મળી રૂા.37.23 લાખનો મુદામાલ કર્યો કબ્જે

રાજકોટ: રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ પર સર્વેશ્ર્વર ચોકમાં ત્રણ દિવસ પુર્વે વહેલી સવારે વી.જે.સન્સ પટોળા શોરૂમમાં થયેલી રૂા.47 લાખની ચોરીનો ભેદ શહેર ક્રાઇમ બ્રાંચની ટીમે ઉકેલી નાખી ચાર શખ્સોની ધરપકડ કરી છે. આ ગુનામાં પટોળા બનાવનાર લીંબડીના શખ્સ અને તૈયાર પટોળાની ખરીદી કરનાર રાજકોટના શખ્સને દેણું વધી જતા બંન્નેએ ચોરીનો પ્લાન ધડયો હતો. જેમાં તેઓએ ચશ્મા અને વાસણની ફેરી કરતા બે શખ્સોને આ પ્લાન અંગે જણાવી તેઓને ચોરીનું કામ સોંપ્યું હતું. જેઓએ પોતાના સગાની મદદ લઇ ચોરીને અંજામ આપી તમામ મુદામાલ સરધાર ખાતે ક્વાર્ટરમાં સંતાડયો હતો.

મળતી માહિતી મુજબ ગત તા.21-6ના રોજ વહેલી સવારે સર્વેશ્વર ચોકમાં આવેલ વી.જે.સન્સ પટોળા શોરૂમમાં અજાણ્યા શખ્સો દ્વારા રૂા.47 લાખની ચોરી કરવામાં આવી હતી.આ અંગે એ. ડીવીઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે ગુના સબબ તપાસમાં રહેલ એ ડીવીઝન, ક્રાઇમ બ્રાંચ, એસઓજીની ટીમે બનાવ સ્થળની આસપાસ લાગેલા સીસીટીવી ફુટેજ ચેક કરતા તેમાં ચોરી કરનાર શખ્સો સરદારજી હોવાનું જોવા મળ્યું હતું. જેથી આ ગુનામાં શીખલીકર ગેંગ સંડોવાયેલી હોવાની આ શંકાએ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો.

દરમ્યાન ક્રાઇમ બ્રાંચ પીઆઇ જે.વી.ધોળા અને પીઆઇ વાય.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ.બી.વોરા અને ટીમ પેટ્રોલીંગમાં હોય ત્યારે સ્ટાફે સર્વેલન્સ તપાસ અને બાતમીના આધારે સરધારના ક્વાર્ટરમાં રહેતા પ્રધાનસિંધ શીખલીકરના ધરમાં દરોડો પાડયો હતો. જે દરોડા દરમ્યાન મકાનમાંથી પટોળાનો મોટો જથ્થો મળી આવ્યો હતો સાથે આ મકાનમાંથી ચાર શખ્સો હાજર હોઇ તેઓની પુછપરછ કરતા તેમણે પોતાના નામ હરીભાઇ પાલજીભાઇ ગોહિલ (ઉ.42), સાહેબસિંધ ઉર્ફે રાજુ રેવરસિંધ ટાંક (ઉ.33), સુજાનસિંહ સંતોષસિંધ ટાંક (ઉ.32) અને મનીષ વાલજીભાઇ જીતીયા (ઉ.35) હોવાનું જણાવતા તેઓની અટકાયત કરી વધુ પુછપરછ કરતા આ પટોળાનો જથ્થો રાજકોટના વી.જે.સન્સ પટોળા હાઉસમાંથી ચોરી કર્યાની કબુલાત આપતા ક્રાઇમ બ્રાંચની ટીમે રૂા.35 લાખના ચોરીના મુદામાલ તથા ચોરીમાં ઉપયોગ કરાયેલ ઇકો કાર અને ત્રણ મોબાઇલ ફોન મળી રૂા.37,23,190/-નો મુદામાલ કબ્જે કર્યો હતો. પોલીસની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે ઝડપાયેલ આરોપી હરી ગોહિલ લીંબડીનો વતની છે અને પટોળા બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલો છે તેમજ આરોપી મનીષ જીતીયા તૈયાર પટોળાની ખરીદી કરી તેનું વેચાણ કરે છે. આ બંન્નેને ધંધામાં ખોટ ગઇ હોય અને દેણું વધી ગયું હોવાથી તેઓએ રૂપિયા ચુકતે કરવા માટે ચોરી કરાવ્યાની કબુલાત આપી છે. આ ગુનામાં બંન્ને શીખલીકર શખ્સોને મદદગારી કરનાર સતનામસિંધ ઉર્ફે સતીયા જુણી હાજર ન મળી આવતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

આરોપીઓ પાસેથી પોલીસે શું અને કેટલો મુદામાલ કબ્જે કર્યો?
સર્વેશ્ર્વર ચોકમાં વી.જે.સન્સ પટોળા શોરૂમમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી શહેર ક્રાઇમ બ્રાંચે ચાર શખ્સોની ધરપકડ કરી છે. ત્યારે ક્રાઇમ બ્રાંચની ટીમે આ ચોરીના બનાવમાં ગયેલ કુલ મુદામાલ પૈકી (1) રાજકોટી પટોળા નંગ-50 કિ.રૂા.4,00,000/-(2) પાટણના પટોળા નંગ-55 કિ.રૂા.23,65,000/-(3) રાજકોટી દુપટ્ટા નંગ-230 કિ.રૂા.46000 (4) પાટણના દુપટ્ટા નંગ-36 કિ.રૂા.3,60,000/- (5) પાટણના સીંગલ ઇક્કત પટોળા નંગ-45 કિ.રૂા.15,750/- (6) લેડીઝ પર્સ નંગ-47 કિ.રૂા.940/- (7) પટોળા ચણીયા નંગ-13 કિ.રૂા.1,30,000/- (8) પ્રીન્ટેડ દુપટ્ટા પટોળા નંગ-12 કિ.રૂા.18,000/- (9) પટોળા સાલ નંગ-120 કિ.રૂા.1,80,000/- (10) ચોરી કરવામાં ઉપયોગ કરેલ ઇકો કાર કિ.રૂા.2,00,000/- (11) મોબાઇલ ફોન નંગ-3 કિ.રૂા.7,500/- મળી કુલ કિ.રૂા.37,23,190/-નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

સર્વેશ્વર ચોકમાં વી.જે.સન્સ પટોળા શોરૂમમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી લેતી શહેર ક્રાઇમ બ્રાંચની ટીમ: 4 ઝડપાયા

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!