Dark Mode
Monday, 23 December 2024
Logo banner

શ્રીલંકામાં ફરી એક વખત કટોકટી લાગુ: કાર્યવાહક રાષ્ટ્રપતિએ આપ્યો આદેશ

શ્રીલંકામાં ફરી એક વખત કટોકટી લાગુ: કાર્યવાહક રાષ્ટ્રપતિએ આપ્યો આદેશ

એક સપ્તાહની અંદર જ ફરી એક વખત ઈમરજન્સી લાગુ કરવામાં આવી

આર્થિક અને રાજકીય સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાની સ્થિતિ ખૂબ જ વણસી રહી છે. આ કારણે શ્રીલંકામાં આજથી ફરી એક વખત ઈમરજન્સી લાગુ કરી દેવામાં આવી છે. કાર્યવાહક રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેએ સ્ટેટ ઈમરજન્સી માટે આદેશ આપ્યો છે.

આદેશમાં કહેવામાં આવ્યું છે કે, આર્થિક સંકટને ધ્યાનમાં રાખીને કાયદો, વ્યવસ્થા તથા જરૂરી ચીજ-વસ્તુઓની સુચારૂ આપૂર્તિ માટે 18મી જુલાઈથી ઈમરજન્સી લાગુ કરવામાં આવી રહી છે. અગાઉ 13 જુલાઈના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે વિરૂદ્ધ ભારે જનાક્રોશ અને પ્રદર્શનોને પગલે ઈમરજન્સી લાગુ કરવામાં આવી હતી.

રાજપક્ષે દેશ છોડીને ભાગી ગયા ત્યાર બાદ વિક્રમસિંઘેને કાર્યવાહક રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ ઈમરજન્સી હટાવી લેવાઈ હતી પરંતુ હવે એક સપ્તાહની અંદર જ ફરી એક વખત ઈમરજન્સી લાગુ કરવામાં આવી છે.

નવી માગણી સાથે જનતાનું પ્રદર્શન

ગોટાબાયા રાજપક્ષે દેશ છોડીને ભાગી ગયા તે કારણે રોષે ભરાયેલી શ્રીલંકન જનતા હવે નવી માગણી સાથે પ્રદર્શન કરી રહી છે. પ્રદર્શનકારીઓ રાષ્ટ્રપતિ પદને ખતમ કરીને વ્યવસ્થામાં ફેરફાર ન આવે ત્યાં સુધી સંઘર્ષ ચાલુ રાખવાની વાત કરી રહ્યા છે. પાછલા કેટલાક દિવસોમાં તેઓ રાષ્ટ્રપતિ ભવનમાં પણ ઘૂસી ગયા હતા. ઉપરાંત સંસદ ભવન તથા પીએમ હાઉસને પણ ઘેરી લીધા હતા. જ્યારે રાનિલ વિક્રમસિંઘેનું અંગત ઘર પણ સળગાવી દેવાયું હતું.

એક રાહતના સમાચાર

આ બધા વચ્ચે આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાના લોકો માટે એક રાહતજનક સમાચાર સામે આવ્યા છે. શ્રીલંકાની સરકારી કંપની સીલોન પેટ્રોલિયમ કોર્પોરેશન (સીપીસી)એ રવિવારના રોજ ડીઝલ તથા પેટ્રોલની છૂટક કિંમતોમાં ઘટાડો કર્યો હતો. ફેબ્રુઆરી મહિના બાદ કુલ 5 વખત થયેલા વધારા બાદ ઈંધણની કિંમતોમાં પ્રથમ વખત ઘટાડો કરાયો છે.

20 રૂપિયાનો ઘટાડો કરાયો

શ્રીલંકામાં પેટ્રોલ-ડીઝલની છૂટક કિંમતોમાં 20-20 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. મે મહિનાના અંતમાં બંનેની કિંમતોમાં 50 અને 60 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. આ સાથે જ ઈન્ડિયન ઓઈલ કંપનીના સ્થાનિક સંચાલનવાળી કંપની લંકા ઈન્ડિયન ઓઈલ કંપનીએ પણ પોતે ઈંધણની કિંમતોમાં ઘટાડો કરશે તેમ જાહેર કર્યું છે.

ઈંધણની લાઈનોમાં હિંસાની ઘટનાઓ

શ્રીલંકન સરકારે ગત 27મી જૂનથી ઈંધણની આપૂર્તિ બંધ કરી દીધી હતી અને માત્ર આવશ્યક સેવાઓ માટે જ પેટ્રોલ-ડીઝલની મંજૂરી છે. પેટ્રોલ-ડીઝલ સ્ટેશનોની બહાર અનેક માઈલ લાંબી લાઈનો જોવા મળી રહી છે અને તેમાં હિંસાની અનેક ઘટનાઓ પણ સામે આવી છે. ઈંધણ માટેની લાઈનોમાં અનેક દિવસો વિતાવ્યા બાદ આશરે 20 જેટલા લોકોના મોત નોંધાયા છે.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!