Dark Mode
Tuesday, 24 December 2024
Logo banner

જૂનાગઢમાં મેઘમહેર: વિસાવદરમાં 4.24 ઇંચ, માણાવદર-વંથલીમાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબકતાં રસ્તાઓ નદીમાં ફેરવાયા

જૂનાગઢમાં મેઘમહેર: વિસાવદરમાં 4.24 ઇંચ, માણાવદર-વંથલીમાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબકતાં રસ્તાઓ નદીમાં ફેરવાયા

જૂનાગઢ જિલ્લામાં બે તાલુકાને બાદ કરતાં સાત તાલુકામાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. આજે જિલ્લામાં સવારે છ વાગ્યાથી બપોરે બાર વાગ્યા સુધીમાં વિસાવદરમાં 4.24, માણાવદર-જૂનાગઢ- મેંદરડા-વંથલીમાં 2 ઈંચથી વધુ વરસાદ વરસી ગયો છે, આથી જિલ્લામાં છવાયેલા વરસાદી માહોલને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આજે સવારથી વરસી રહેલા વરસાદને પગલે જૂનાગઢ શહેરમાં ઝાંઝરડા ગરનાળામાં પાણી ભરાઈ ગયું હતું. ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલી કાર પાણીમાં ફસાઈ ગઈ હતી. ઉપરાંત મોતીબાગ સર્કલ પાસે ભૂગર્ભ ગટર માટે બનાવેલા ખાડામાં બે એસટી બસ પણ ફસાઈ ગઈ હતી.

તમામ તાલુકાઓમાં સરેરાશ 0.04થી 4 ઈંચ વરસાદ વરસ્યો
છેલ્લા થોડા દિવસોથી જૂનાગઢ શહેર અને જિલ્લામાં ઉપર મેઘરાજા મહેરબાન હોય એમ મેઘાવી માહોલ છવાયેલો રહેતો હોવાની સાથે તાલુકાઓમાં અવિરત છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. દરમિયાન આજે શુક્રવારે સવારથી ફરી જિલ્લા પર મેઘરાજા મહેરબાન થયા હોય એમ નવ પૈકીના સાત તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના સાતેય તાલુકામાં સરેરાશ 0..4થી 4.24 ઈંચ વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ વિસાવદરમાં 4.24 ઈંચ વરસ્યો છે, જ્યારે માંગરોળ અને માળિયા હાટીનામાં ઝાપટાં જ વરસ્યાં છે.

વિસાવદરમાં 106 મિમી-કેશોદમાં 27 મિમી વરસાદ
આજે જિલ્લામાં સવારે 6થી 12 વાગ્યા ચાર કલાકમાં વરસેલા વરસાદના આંકડા જોઈએ તો વિસાવદરમાં 106 મિમી (4.24 ઈંચ), કેશોદમાં 27 મિમી (1.08 ઈંચ), જૂનાગઢમાં 51 મિમી (2.04 ઈંચ), ભેંસાણમાં 64 મિમી (2.56 ઈંચ), મેંદરડામાં 40 મિમી (1.6 ઈંચ), માણાવદરમાં 67 મિમી (2.68 ઈંચ), વંથલીમાં 46 મિમી (2 ઈંચ) જેવો વરસાદ વરસ્યો છે.

વિસાવદરના ડેમમાં નવા નીરની ભરપૂર આવક
આજે વહેલી સવારથી વિસાવદર શહેર-પંથકમાં ચાર કલાકમાં 4.24 ઈંચ જેવો અવિરત વરસાદ વરસી જતાં માર્ગો ઉપર વરસાદી પાણી વહેતાં જોવા મળતાં હતાં તો પંથકમાં આવેલા આંબાજળ ડેમમાં પાણીની ભરપૂર આવક હોવાથી 75 ટકા જેવો ભરાઈ ગયો છે. આવો જ વરસાદ વરસતો રહેશે તો ટૂંકા દિવસોમાં જ છલોછલ ભરાઈ જશે. વિસાવદર, કેશોદ, ભેંસાણ, મેંદરડા, માણાવદર અને વંથલીમાં સતત વરસી રહેલા વરસાદથી લોકો અને ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે. તો ખેડૂતો વાવણી કાર્યમાં મશગૂલ થયા છે.

મેઘરાજા દરરોજ મનપાની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખોલી રહ્યા છે
જૂનાગઢ મહાનગરમાં ઘણા દિવસોથી મુકામ કરેલા મેઘરાજા દરરોજ હેત વરસાવી મનપા તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખોલી રહ્યા છે. શહેરમાં ભૂગર્ભ ગટર બનાવવા તથા પાણી-ગેસની પાઈપલાઈનો નાખવા ખોદી નખાયેલા રસ્તામાં વ્યવસ્થિત રીતે પેચવર્કની કામગીરી ન કરી હોવાથી ઠેરઠેર વાહનો ફસાઈ રહ્યાં છે. શહેરમાં દરરોજ અનેકો વાહનો ખૂંપી જઈ ફસાઈ રહ્યા હોવાથી ચાલકોને હાડમારીનો સામનો કરવો પડતો જોવા મળે છે. આજેના વરસાદથી શહેરમાં ઝાંઝરડા રોડ સહિત અનેક માર્ગો પર તથા અન્ડરબ્રિજમાં પાણી ભરાઈ જતાં વાહનચાલકોને પસાર થવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો, જેને લીધે લોકોમાં તંત્ર સામે રોષ પણ જોવા મળતો હતો.

જૂનાગઢમાં મેઘમહેર: વિસાવદરમાં 4.24 ઇંચ, માણાવદર-વંથલીમાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબકતાં રસ્તાઓ નદીમાં ફેરવાયા

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!