Dark Mode
Tuesday, 24 December 2024
Logo banner

સોનાની આયાત-જકાત વધતા જ્વેલરી ઉદ્યોગમાં ફાફળાટ

સોનાની આયાત-જકાત વધતા જ્વેલરી ઉદ્યોગમાં ફાફળાટ

સોના પર ઇફેક્ટીવ કરભારણ 18 ટકાએ પહોંચ્યું : વિદેશોમાં પ્રતિ કિલો સોનુ 7 લાખ રૂા. સસ્તુ

તહેવારોમાં જ ડીમાંડને ફટકો પડવાની ભીતિ : દાણચોરી વધવાની પણ આશંકા : ઝવેરીઓ સરકાર સમક્ષ રજૂઆત કરશે
રુપિયાની નબળાઈને રોકવા તથા વેપાર ખાધને કાબૂમાં લેવા માટે કેન્દ્ર સરકારે સોનાની આયાત-જકાતમાં પાંચ ટકાનો વધારો ઝીંકતા વેચાણને મોટી અસર થવાની અને દાણચોરી વધવાની આશંકા દર્શાવવામાં આવી રહી છે. તહેવારોના સમયગાળા પૂર્વે જ સરકારના આ પગલાથી ઝવેરીઓમાં નારાજગી ઉભી થઇ છે.

કેન્દ્ર સરકારે સોનાની બેઝીક આયાત ડ્યુટી 7.5 ટકાથી વધારીને 12.5 ટકા કર્યાને પગલે ઇફેક્ટીવ ડ્યુટી 10.75 ટકાથી વધીને 15 ટકા થઇ છે. જેને પગલે દેશભરના ઝવેરીઓમાં સોંપો પડી ગયો છે. ઝવેરાત ઉદ્યોગના સુત્રોના કહેવા પ્રમાણે ડ્યુટી વધારાના પગલાની વ્યાપક અસર થશે. સૌપ્રથમ તો સોનાની આયાત કરવા માટે ઝવેરીઓએ વધારાની કાર્યકારી મૂડી ઉભી કરવી પડશે અને સામે વેચાણ ધીમુ પડવાનું જોખમ રહેશે.

કોરોના કાળમાં બે વર્ષ સુધી સોનાની ડીમાંડ સાવ સુસ્ત પડી ગઇ હતી. છેલ્લી સિઝન સારી જતાં વેપારીઓને અમુક અંશે કળ વળી હતી. હવે ફરી વખત ડ્યુટી વધારતા નવી સિઝન સારી રહેવા સામે શંકા છે. ઇન્ડીયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએસનના પૃથ્વીરાજ કોઠારીએ કહ્યું કે આયાત જકાત ઉપરાંત જીએસટી સહિતના કરભારણને લક્ષમાં લેવામાં આવે તો 18 ટકા ટેક્સ થઇ જાય છે અને તે ઝવેરીતા ઉદ્યોગ માટે ઘણો મોટો ઝટકો છે. આંતરરાષ્ટ્રીય માર્કેટની સરખામણીએ ભારતમાં સોનુ પ્રતિ કિલો રુા. 7 લાખ મોંઘુ પડે છે. દુબઇ,સિંગાપુર તથા અન્ય દેશોમાં પ્રવાસ કરનારા ભારતીયો હવે વધુ માત્રામાં સોનુ વિદેશથી લાવે તેવી શક્યતા છે. આ રીતે ભારતમાં 200 ટન સોનુ આવવાનો અંદાજ છે.

ઓલ ઇન્ડીયા જેમ્સ એન્ડ જ્વેલરી ડોમેસ્ટીક કાઉન્સીલના વાઇસ ચેરમેન સૈયમ મેહરાએ એવો સૂર દર્શાવ્યો હતો કે આયાત-જકાત વધારાથી દાણચોરી વધવાનું જોખમ રહેશે અને પેરેલલ ઇકોનોમી ઉભી થઇ શકે છે. ઓર્ગેનાઇઝડ સેક્ટરમાં પણ ભારે અસર થઇ શકે છે. રોકડ વ્યવહારોમાં વૃધ્ધિ થશે. આયાતકારો અને નિકાસકારો પર વર્કિંગ કેપીટલનું ભારણ વધશે. આવતા સપ્તાહમાં મોટી અથડાતફડી આવી શકે છે. સંગઠનના ચેરમેન આશિષ પેઠેએ કહ્યું કે આયાત-જકાત વધારો જ્વેલરી ઉદ્યોગ માટે નવું સંકટ ઉભું કરનારુ બનશે. દાણચોરીને પ્રોત્સાહન મળશે. આ મામલે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવશે.

બીજી તરફ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલે રિપોર્ટમાં એમ કહ્યું છે કે કોરોના કાળ દરમિયાન સોનાની ખરીદીમાં ઘટાડો થયો હતો પરંતુ છેલ્લા મહિનાઓમાં ફરી વખત ડીમાંડમાં વૃધ્ધિ જોવા મળી હતી. ડોલર સામે ભારતીય રુપિયો 79નું લેવલ તોડી ચૂક્યો છે. સરકારે હવે રુપિયાને તૂટતો રોકવા માટે નકક્ર પગલા લેવાની આવશ્યકતા છે. ભારતમાં મે મહિનામાં 107 ટન સોનાની આયાત થઇ હતી. જે એપ્રિલ મહિનામાં માત્ર 27.1 ટન હતી. 2021ના મે મહિનામાં માત્ર 11.4 ટન હતી.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!