Dark Mode
Wednesday, 25 February 2026
Logo banner

રોમાંચક મેચમાં INDએ 4 રનથી IREને હરાવ્યું: આયર્લેન્ડ સામે 2-0થી સિરીઝ જીતી, હુડાની મેચ વિનિંગ સદી

રોમાંચક મેચમાં INDએ 4 રનથી IREને હરાવ્યું: આયર્લેન્ડ સામે 2-0થી સિરીઝ જીતી, હુડાની મેચ વિનિંગ સદી

દીપક હુડ્ડા-સંજુ સેમસનની શાનદાર ભાગીદારીની મદદથી ભારતે 225 રનનો વિશાળ લક્ષ્યાંક ખડક્યો જેનો પીછો કરતાં આયર્લેન્ડને રહી ગયું માત્ર ચાર રનનું છેટું

ચાર વર્ષ બાદ કોઈ ભારતીય બેટરે ટી-20માં ફટકારી સદી
ભારત-આયર્લેન્ડ વચ્ચે રમાયેલી રોમાંચક મેચમાં બન્ને ટીમે રનોનો ખડકલો કરી દીધો હતો. જો કે આ મેચની જીતની ક્રેડિટ દીપક હુડ્ડાને જ આપવી પડે કેમ કે તેણે 104 રનની ઈનિંગ રમી ટીમ ઈન્ડિયાના વિશાળ સ્કોરમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. આ સાથે જ ટી-20માં ચાર વર્ષ બાદ કોઈ ભારતીય બેટરે સદી ફટકારી હતી.

દીપક હુડ્ડાની શાનદાર સદીથી ભારતે ચોંકાવનારી હારથી માંડ માંડ બચતાં આયર્લેન્ડને રોમાંચક ટી-20 મુકાબલામાં ચાર રને હરાવીને શ્રેણી 2-0થી જીતી લીધી છે. ભારતે ટોસ જીતીને પહેલાં બેટિંગ કરતાં હુડ્ડાની સદી અને સંજુ સેમસનની અર્ધસદીની મદદથી સાત વિકેટે 225 રન બનાવ્યા હતા. જવાબમાં આયર્લેન્ડની ટીમ અંતિમ ઓવર સુધી મેચમાં ટકી રહી પરંતુ ચાર રને ચૂકી જવા પામી હતી.

આયર્લેન્ડ માટે કેપ્ટન એન્ડી બાલબર્નીએ 37 બોલમાં 60, પોલ સ્ટર્લિંગને 18 બોલમાં 40, હેરી ટેક્ટરે 28 બોલમાં 39 અને જ્યોર્જ ડોકરેલે 16 બોલમાં અણનમ 34 રન બનાવ્યા હતા. ભારતીય કેપ્ટન હાર્દિક પંડ્યાએ અંતિમ ઓવર ફાસ્ટ બોલર ઉમરાન મલિકને સોંપી હતી જ્યારે આયર્લેન્ડને જીત માટે 17 રનની જરૂર હતી અને મલિક કેપ્ટનના ભરોસે ખરો પણ ઉતર્યો હતો.

આ પહેલાં હુડ્ડા ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારનારો ચોથો ભારતીય બન્યો છે. તેણે 57 બોલમાં 104 રન બનાવ્યા જેમાં નવ ચોગ્ગા અને ચાર છગ્ગા સામેલ હતા. સંજુ સેમસને તેનો બખૂબી સાથ નીભાવતાં 42 બોલમાં નવ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 77 રનની ઈનિંગ રમી હતી. સેમસનને ઋતુરાજ ગાયકવાડના ઈજાગ્રસ્ત થવાને કારણે આ મેચ રમવાની તક મળી હતી.

હુડ્ડા અને સેમસન બન્નેએ પોતાની ઈનિંગમાં દર્શનીય શોટ્સ લગાવ્યા હતા. ભારતની શરૂઆત સારી રહી નહોતી અને ઈશાન કિશન ત્રણ રન બનાવીને પેવેલિયન પરત ફરી ગયો હતો. ત્રીજી ઓવરમાં માર્ક એડેયરના બોલ પર વિકેટ પાછળ લોરકાન ટકરને કેચ આપીને તેણે પોતાની વિકેટ ગુમાવી હતી. આ પછી હુડ્ડા અને સેમસને 85 બોલમાં 176 રનની ભાગીદારી કરીને ભારતના વિશાળ સ્કોરનો પાયો નાખ્યો હતો.

ભારત બાદ આયર્લેન્ડની શરૂઆત અત્યંત આક્રમક રહી હતી. સ્ટર્લિંગ અને બાલબર્નીએ પહેલી વિકેટ માટે 34 બોલમાં 72 રન ઝૂડ્યા હતા. સ્ટર્લિંગે ભુવનેશ્ર્વરની પહેલી જ ઓવરમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગા સહિત 18 રન લીધા હતા. આયર્લેન્ડના 50 રન ચાર ઓવરમાં જ બની ગયા હતા. લેગ સ્પીનર રવિ બિશ્ર્નોઈએ આ ભાગીદારીને તોડીને સ્ટર્લિંગની વિકેટ મેળવી હતી.

બિશ્ર્નોએ ત્યારપછી બાલબર્નીને પણ આઉટ કર્યો હતો પરંતુ તે નો-બોલ નીકળ્યો હતો. બાલબર્નીએ પોતાની છઠ્ઠી ટી-20 ફિફટી 34 બોલમાં પૂર્ણ કરી હતી. તે હર્ષલ પટેલના બોલ પર બિશ્ર્નોઈને કેચ આપી બેઠો હતો. ત્યારપછી ટેક્ટર, ડૉકરેલ અને માર્ક એડેયરે આયર્લેન્ડની આશા જાળવી રાખી હતી પરંતુ અંતિમ બોલ પર છ રનની જરૂર સામે તે એક જ રન બનાવી શકતાં પરાજય થયો હતો.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!