Dark Mode
Monday, 23 December 2024
Logo banner

ટી-20 વર્લ્ડકપ માટે 16 ટીમો ‘ફાઈનલ’: અમેરિકાનું સ્વપ્ન રોળાયું તો ઝીમ્બાબ્વે-નેધરલેન્ડ ટીમ ક્વોલિફાય

ટી-20 વર્લ્ડકપ માટે 16 ટીમો ‘ફાઈનલ’: અમેરિકાનું સ્વપ્ન રોળાયું તો ઝીમ્બાબ્વે-નેધરલેન્ડ ટીમ ક્વોલિફાય

સેમિફાઈનલમાં ઝીમ્બાબ્વેએ પાપુઆ ન્યુ ગીનીને તો નેધરલેન્ડે અમેરિકાને હરાવીને વર્લ્ડકપમાં સ્થાન મેળવ્યું
રાઉન્ડ-1માં રમાનારી 8 ટીમોને બે ગ્રુપમાં વહેંચાશે; બન્નેમાં ટોપ-2ની ટીમ સુપર-12માં લેશે એન્ટ્રી: વિન્ડિઝ-લંકાએ પણ કરવી પડશે મહેનત

ટી-20 વર્લ્ડકપ-2022માં ભાગ લેનારી તમામ ટીમોનો નિર્ણય થઈ ચૂક્યો છે. ઑસ્ટ્રેલિયાની ધરતી પર રમાનારી આ ટૂર્નામેન્ટ માટે 14 ટીમોએ પહેલાંથી જ જગ્યા બનાવી લીધી હતી. હવે નેધરલેન્ડ અને ઝીમ્બાબ્વેએ પણ ક્વોલિફાયર ટૂર્નામેન્ટના ફાઈનલમાં પહોંચીને ટી-20 વર્લ્ડકપમાં પોતાની જગ્યા બનાવી લીધી છે.

ઝીમ્બાબ્વેમાં રમાઈ રહેલી ક્વોલિફાયર ટૂર્નામેન્ટના પહેલાં સેમિફાઈનલમાં મેજબાન ટીમે પાપુઆ ન્યુ ગીનીને 27 રને હરાવ્યું હતું. પહેલાં બેટિંગ કરતાં ઝીમ્બાબ્વેએ 20 ઓવરમાં પાંચ વિકેટે 199 રન બનાવ્યા હતા. જવાબમાં પાપુઆ ન્યુ ગીનીની ટીમ 8 વિકેટે 172 રન જ બનાવી શકી હતી.

બીજી સેમિફાઈનલમાં નેધરલેન્ડે અમેરિકાને સાત વિકેટે પરાજય આપ્યો હતો. પહેલાં બેટિંગ કરતાં અમેરિકી ટીમ 138 રનમાં જ આઉટ થઈ ગઈ હતી. જવાબમાં નેધરલેન્ડે એક ઓવર બાકી રાખીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.

લીગ સ્ટેજમાં ઝીમ્બાબ્વેની ટીમે પોતાના ત્રણેય મુકાબલા જીતીને ગ્રુપ ‘એ’માં પહેલું સ્થાન હાંસલ કર્યું હતું. ઝીમ્બાબ્વેએ અમેરિકાને 46 રન, સિંગાપુરને 111 રન અને જર્સીને 23 રને હરાવ્યું હતું. જ્યારે અમેરિકાની ટીમ બે જીત સાથે બીજા નંબરે રહીને સેમિફાઈનલમાં પહોંચી હતી.

ગ્રુપ ‘બી’માં નેધરલેન્ડે ત્રણેય મુકાબલા જીતીને સેમિફાઈનલમાં જગ્યા બનાવી હતી. નેધરલેન્ડે પાપુઆ ન્યુ ગીનીને 52 રન, હોંગકોંગને 7 વિકેટે અને યુગાન્ડાને 97 રને હરાવ્યું હતું. આ ઉપરાંત શ્રેષ્ઠ રનરેટને કારણે પાપુઆ ન્યુ ગિનીએ આ ગ્રુપમાંથી સેમિફાઈનલ માટે ક્વોલિફાય કર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે ટી-20 વર્લ્ડકપમાં સુપર-12 સ્ટષજ પહેલાં રાઉન્ડ-1 મુકાબલા રમાશે. રાઉન્ડ-1માં કુલ આઠ ટીમો ભાગ લઈ રહી છે. આ આઠ ટીમોને બે ગ્રુપમાં વહેંચી દેવાઈ છે. બન્ને ગ્રુપમાંથી ટોપ-2 ટીમો સુપર-12 સ્ટેજ માટે ક્વોલિફાય કરશે. ટી-20 વર્લ્ડકપનું આયોજન 16 ઑક્ટોબરથી 13 નવેમ્બર સુધી થશે. ભારત પોતાનો પહેલો મુકાબલો 23 ઑક્ટોબરે પાકિસ્તાન વિરુદ્ધ કરશે.

વર્લ્ડકપ માટેની 16 ટીમો
સુપર12: ઑસ્ટ્રેલિયા, ભારત, ઈંગ્લેન્ડ,પાકિસ્તાન, સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, ન્યુઝીલેન્ડ
રાઉન્ડ-1: વેસ્ટ ઈન્ડિઝ, શ્રીલંકા, સ્કોટલેન્ડ, નામીબિયા, આયર્લેન્ડ, સંયુક્ત અરબ અમીરાત, ઝીમ્બાબ્વે, નેધરલેન્ડ

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!